વ્યારા નગરનાં નવી વસાહતમાં અટલ બિહારી બાજપાઈ કોમ્યુનીટી હોલ પાસેના ત્રણ રસ્તા ઉપરથી એક બાઈક ચાલકને ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી પોલીસ સ્ટાફનાં માણસો ખાનગી વાહનમાં બેસી વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન વ્યારા નવી વસાહત પાસે ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક ઈસમ હોન્ડા કંપનીની કથ્થઈ કલરની એકટીવા ઉપર ઈંગ્લીશ દારૂ ભરી વ્યારા નવી વસાહત તરફ આવનાર છે.જે બાતમીનાં આધારે પોલીસે વ્યારાની નવી વસાહતમાં અટલ બિહારી બાજપાઈ કોમ્યુનીટી હોલ પાસે ત્રણ રસ્તા ઉપર વોચમાં ઉભા હતા.તે દરમિયાન બાતમી વાળી એકટીવા બાઈક નંબર જીજે/26/એએ/1867ને આવતા જોઈ પોલીસે કોર્ડન કરી એકટીવા બાઈકને ઉભી રાખી અને બાઈક ચાલકને તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ વિજયભાઈ દલુભાઈ ગામીત (ઉ.વ.40, રહે.ચીખલી ગામ, દાદરી ફળિયું, વ્યારા)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ એકટીવા બાઈકના આગળના ભાગે એક કાપડની થેલી તથા સીટની નીચે ડીકીમાં એક થેલી મુકેલ હતી અને બંને થેલીમાં તપાસ કરતા ભારતીય ઈંગ્લીશ દારૂની કુલ 72 બોટલો મળી આવી હતી.જયારે વધુ પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો આપનાર મનિષભાઈ મોહનભાઈ ગામીત (રહે.હાથી ફળિયું ટેકરા ઉપર, સોનગઢ) અને આ દારૂનો જથ્થો વ્યારા નવી વસાહતમાં રહેતી સુજાતાબેન નીતિનભાઈ ચૌધરીના ત્યાં આપવાનો હતો. આમ, પોલીસે ઈંગ્લીશ દારૂની 72 બોટલ જેની કીંમત રૂપિયા 4800/- અને એકટીવા બાઈક તેમજ 1 નંગ મોબઈલ મળી કુલ રૂપિયા 25,500/-નો મુદામાલ કબ્જે કરી ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જયારે દારૂ આપનાર ઈસમ અને મંગાવનાર મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.