ગાંધીધામમાં રોટરીનગરમાં રહેતા કિરણકુમાર ડાયાભાઇ પરમારે પોલીસ સ્ટેશનમાં એક પિતા-પુત્ર વિરુદ્ધ મૂઢ માર મારવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ ફરિયાદી ગત સાંજે સેકટર ૬ તેમના માસીના ઘરે જઈ રહ્યા હતા ત્યારે અનિલભાઈ સોલંકીની દુકાન વણઝારી કૃપા પાસેથી પસાર થતા અનિલભાઈએ તેને બોલાવ્યા અને અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખીને ગાળો બોલવા મંડ્યા. કિરણભાઈએ ગાળો બોલવાની ના પાડી તો તેઓ ઉશ્કેરાઈ ગયા અને દુકાનમાં પડેલો લાકડાનો ધોક્કો લઈને તેમને હાથમાં માર માર્યો. બાદમાં નજીકમાં રહેતા કિરણભાઈના માસીનો દીકરો દિપક અને કિરણભાઈનો મોટો ભાઈ અશ્વિન ત્યાં આવી પહોંચ્યા અને વચ્ચે પડતા અનિલભાઈ અને તેમનો દીકરો બન્ને મળીને અશ્વિન તથા કિરણભાઈને ધકક બુશર્ટનો માર મારેલ. કિરણભાઈના મમ્મી વચ્ચે પડતા તેમને પણ ધક્કા મારીને પડાવી દીધેલ. ત્યાર બાદ આજુબાજુના લોકો ભેગા થઈ ગયા જેથી આ પિતા-પુત્ર જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી નાસી ગયા.