રાજકોટ તારીખ ૧૩ જાન્યુઆરી -રાજ્યના પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે રાજકોટના ત્રિકોણબાગ સ્થિત કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇનના કન્ટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. જ્યાં સંક્રાતના પર્વ નિમિત્તે ઘવાયેલાં પશુઓની સારવાર કરવામાં આવશે. મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ દીપપ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. મહાનુભાવોનુ ગૌમાતાની પ્રતિમા આપીને સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું હતું કે જીવદયા ક્ષેત્રે પશુ અને પંખીઓ માટે સારવાર અને સંરક્ષણ માટેનું કામ કરતું રાજકોટનું કરુણા ટ્રસ્ટ અભિનંદનને પાત્ર છે. આ ટ્રસ્ટનું કાર્ય અન્યને પણ પ્રેરણા પૂરી પાડે છે. આ જીવદયા કાર્યનો વ્યાપ પણ ખૂબ વધ્યો છે. 2017માં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઉતરાયણના દિવસે કરુણા અભિયાનની શરૂઆત રાજકોટ ખાતેથી થઈ હતી, ત્યારથી પ્રતિ વર્ષ આ અભિયાન સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યું છે. 376 સ્થાયી સારવાર કેન્દ્ર, 37 એમ્બ્યુલન્સ અને 51 મોબાઇલ વાન દ્વારા સમગ્ર રાજ્યમાં પશુ-પંખીઓની સારવાર થઈ રહી છે. મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા રખડતા ઢોરોની કાયમી વ્યવસ્થા કરવા માટેની પણ વિચારણા થઈ રહી છે. આ પ્રસંગે પશુપાલન નિયામક ડો. ફાલ્ગુનીબેન પાઠકે પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન શ્રી મિતલભાઈ ખેતાણીએ કર્યું હતું આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી વલ્લભભાઈ કથીરિયા, અધિક પશુપાલન નિયામક ડો. વસાવા, નાયબ પશુપાલન નિયામક ડો. ખાનપરા, જીવદયા અગ્રણીશ્રી કૌશિકભાઈ અનડકટ, શ્રી રમેશભાઈ ઠક્કર, શ્રી પ્રતીકભાઈ સંઘાણી, શ્રી ચંદ્રકાંતભાઇ શેઠ, શ્રી જયેશભાઈ ઉપાધ્યાય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા