ભુજ શહેરમાં પહેલા પણ ચેઇન સ્નેચિંગના ગુનાઓ થયેલા છે પણ તેનો ભેદ હજી સુધી વનઉકેલાયેલા છે. તેવામાં પ્રમુખ સ્વામીનગરના ઓધવ એવેન્યુ- ૨ માં રહેતા ૫૯ વર્ષીય કાન્તિલાલ શિવજીભાઈ તન્ના, કે જેમની ખાવડામાં જવેલરીની દુકાન છે તેમની પાસેથી અજાણ્યા બે બાઈકસવાર ૨ લાખ ૭ હજારની કિંમતના દાગીના ભરેલી થેલી ઝૂટવીને નાસી ગયા હતા. તેઓ દરરોજ ઘરેથી એક્ટિવા લઈને ભીડ નાકે તેમના સંબંધીની દુકાન પાસે પાર્ક કરીને એસટીમાં ખાવડા અપડાઉન કરે છે. ગત સાંજે નિત્યક્રમ મુજબ તેઓ ખાવડાથી ભુજ આવીને એક્ટિવા પર આગળ દાગીનાની થેલી લઈને પોતાના ઘર તરફ જતા હતાં ત્યારે પ્રમુખ સ્વામીનગરના બીજા ગેટની અંદર પોતાના ઘર તરફ ગલીમાં એક્ટિવા વાળી એટલે સામેથી બે અજાણ્યા બાઈકસવાર તેની સામે આવી ગયા અને બાઈક તેમની એક્ટિવા સાથે ભટકાવવાનું ચાલુ કર્યું. તેમાંનો એક શખ્સ બાઈક પરથી ઉતરીને એક્ટિવા પરની થેલી લઈ લીધી અને બંને ત્યાંથી નાસી ગયા. અંધારું હોવાને કારણે કાન્તિભાઈ તેમની બાઈક નંબર જોઈ શક્યા નહીં, તેઓ બાઈકસવારોને જોવા માટે જ્યુબિલિ સર્કલ સુધી ગયા પણ કાંઈ પતો લાગ્યો નહીં. ત્યારબાદ મોડી રાત્રે તેઓએ ભુજ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ જોયા પરંતુ કાઈ માલુમ થયું નહીં.