જામનગર શહેરમાં આજે એકાએક મોસમે કરવટ બદલી હતી, અને સમગ્ર જિલ્લો ગાઢ ધુમ્મસ ની આગોશ માં આવી ગયો હોવાથી વહેલી સવારે ઝીરો વિઝિબિલિટી થઈ ગઈ હતી. વાહનચાલકોને 10 ફૂટ દૂર સુધી જોવું પણ દુષ્કર બન્યું હતું. જ્યારે માર્ગો પરથી પાણીના રેલા ઉતર્યા હતા. એક હિલ સ્ટેશન જેવું વાતાવરણ સર્જાયું હતું. જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજથી જ ઝાકળ ભર્યુ વાતાવરણ બની ગયું હતું, અને પરોઢિયે રીતસર ઝાકળનો વરસાદ થયો હતો. હાઈવે રોડ પર વાહનચાલકોને 10 ફૂટ દૂર સુધી પણ દેખાતું ન હતું, અને લાઈટ તેમજ વાઇપર ચાલુ રાખીને વાહનો ચલાવવાનો વારો આવ્યો હતો. એટલુંજ માત્ર નહીં મોટાભાગના માર્ગો ઝાકળના વરસાદના કારણે ભીના થયા હોવાથી પણ વાહનચાલકોની મુશ્કેલી વધી હતી અને ક્યાંક વાહનો સ્લીપ થયા હતા. વહેલી સવારે ઝાકળ ના વરસાદના કારણે શહેરના કેટલાક બિલ્ડિંગો પણ દેખાતા નહોતા. જયારે સૂર્યનારાયણના દર્શન પણ ઝાકળ ભર્યા વાતાવરણમાં મોડા થયા હતા. જોકે ઠંડીનો પારો પાંચ ડિગ્રી પરત ફરીને 15 ડિગ્રી આસપાસ રહ્યો હતો, જેથી ઠંડીમાં થોડી રાહત થઇ હતી. પરંતુ ઝાકળ વર્ષા ના કારણે સ્કૂલના વિદ્યાર્થીઓ સહિતના અનેક લોકોને વહેલી સવારે મુશ્કેલી વેઠવી પડી હતી. જામનગર જિલ્લા કલેકટર કચેરીનાં ક્ધટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 15.0 ડિગ્રી સેન્ટિગ્રેડ જયારે મહત્તમ તાપમાન 28.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 90 ટકા થઇ જતાં ઝાકળ ભીની સવાર થઈ હતી ઉપરાંત પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 15 કિમીની ઝડપે રહી હતી જે વધીને 20 કિમી સુધી પહોંચી હતી. જામનગરમાં પણ વહેલી સવારથી ધૂમમ્સની પાતળી ચાદર પથરાઈ છે. શહેરના રસ્તાઓ પર ધુમ્મસ પથરાતાં આહલાદક વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે આગામી સમયમાં ગુજરાતમાં ઠંડીની આગાહી કરી હતી. તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનો જોર વધી શકે તેવો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે.