હારિજ તાલુકામાં 10 ગામોના સરપંચના જાહેર થયેલા પરિણામોમાં સૌથી મોટા ગામો કુકરાણા,દુનાવાડા,જુનામાંકા,હતા જેમાં કુકરાણા ગામમાં ચારે ક્ષત્રિય રાજપૂત સમાજના મહિલા ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉભા હતા. છેલ્લી ઘડી સુધી કુકરાણા બેઠકનું પરિણામ જોવા લોકો આતુર હતા ત્યારે સાંજના પરિણામ જાહેર થતા વાઘેલા કમળાબા તખતસિંહ 500 ઉપરાંતની લીડથી વિજેતા જાહેર થયા હતા. હારિજ તાલુકાના જુનામાંકા ગામે સરપંચની બક્ષીપંચ સામાન્ય મહિલા બેઠક હોઈ ઠાકોર સમાજની ત્રણ મહિલાઓ અને દેસાઈ મહિલા સહિત 4 જણે ઉમેદવારી નોંધાવી હતી. મતગણતરીમાં ગામનું કુલ મતદાન 2458નું હતું. 1200 ઉપર ઠાકોર સમાજના મત હતા જ્યારે દેસાઈ સમાજના 380 મત હતા પણ ઠાકોર સમાજના ત્રણ ઉમેદવાર ચૂંટણી જંગમાં મેદાને પડતા અન્ય સમાજનો સીધો લાભ દેસાઈ સમાજના ઉમેદવારને થતા દેસાઈ ભાવનાબેન નારણભાઇ 228 મતથી વિજેતા થયા હતા. માંસા ગામના સરપંચ ગાંડાજી સ્વરૂપજી માત્ર 2 મતોથી વિજય બન્યા હતા. સૌ પ્રથમ પરિણામ રસુલપરાનું જાહેર થયું હતું.અને છેલ્લુ દુનાવાડા નું જાહેર થયું હતું.
