બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી દ્વારા બ્રાહ્મણો પર કરવામાં આવેલી ટિપ્પણી બાદથી બિહારનું રાજકારણ ગરમાયુ છે. માંઝીના નિવેદન પછી ભાજપના નેતા ગજેન્દ્ર ઝાએ જાહેરાત કરી હતી કે પૂર્વ મુખ્યમંત્રીની જીભ કાપીને લાવનારાને 11 લાખ રૂપિયાનું ઇનામ આપીશ. આ જાહેરાત તેમની પર ભારે પડી ગઇ છે. ઝાના આ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીએ કાર્યવાહી કરતા ગજેન્દ્ર ઝાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી નાખ્યા છે અને સ્પષ્ટીકરણ માંગ્યુ છે.
ભાજપ પ્રદેશ કાર્યકારિણીના સભ્ય અને આંતરરાષ્ટ્રીય હિન્દૂ મહાસભાના મહાસચિવ ગજેન્દ્ર ઝાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની સાથે જ મધુબની જિલ્લા અધ્યક્ષ શંકર ઝાએ 15 દિવસની અંદર સ્પષ્ટીકરણની માંગ કરી છે. ભાજપ જિલ્લા અધ્યક્ષ શંકર ઝા દ્વારા જાહેર પત્રમાં લખવામાં આવ્યુ કે..તમારા દ્વારા આપવામાં આવેલા અમર્યાદિત નિવેદનથી પાર્ટીને આઘાત લાગ્યો છે. તમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. ગજેન્દ્ર ઝાને 15 દિવસની અંદર સ્પષ્ટીકરણ આપવાની માંગ કરવામાં આવી છે.
માંઝીના નિવેદન પછી ગજેન્દ્ર ઝાએ સોમવારે નિવેદન આપ્યુ હતુ કે બ્રાહ્મણનો પુત્ર જો માંઝીની જીભ કાપીને લાવે છે તો તેને તે ઇનામ તરીકે 11 લાખ રૂપિયા આપવાની સાથે જીવનભર ભરણ પોષણ પણ કરશે. ગજેન્દ્ર ઝાએ કહ્યુ હતુ કે માંઝી વારંવાર આ રીતના નિવેદન આપે છે જેને બ્રાહ્મણ સમાજ સહન નહી કરે. માંઝીને પદની ગરીમા નથી અને હિન્દૂ સનાતન ધર્મમાં આસ્થા પણ નથી.