જામનગરમાં ખીમલિયા ગામે ગુરુવારે રાત્રે જામનગરના યુવાનનું ઢીમ ઢાળી દઈ નાશી છુટેલ આરોપીઓને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. દારૂના ધંધાર્થી આરોપીઓની બાતમી આપી દેતો હોવાની આશંકાથી યુવાનનું ઢીમ ઢાળી દીધું હોવાની વિગતો સામે આવી છે. અગાઉથી જ કાવતરું રચી આરોપીઓએ મૃતકને ફોન કરીને ઘટના સ્થળે બોલાવી ચોતરફો હુમલો કરી મારી નાખ્યો હોવાની વિગતો જાહેર થઇ છે. જામનગરમાં ધુંવાવ નાકા બહાર રહેતો મહેશ ઉર્ફે મુન્નો કાનજીભાઈ વાગોણા નામનો 32 વર્ષનો યુવાન કે જેનો મૃતદેહ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ખીમલીયા ગામ નજીક પડયો હોવાની માહિતી ગઈ કાલે પરોઢિયે સાડા ચારેક વાગ્યાના અરસામાં એક નાગરિક દ્વારા પોલીસને આપવામાં આવી હતી. જેથી પંચકોશી બી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જ્યાં 108 ની ટુકડી પણ હાજર હતી, અને યુવાનને મૃત જાહેર કરાયો હતો. પોલીસ દ્વારા મહેશ ઉર્ફે મુન્નાના મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. જેના શરીર પર જુદા જુદા સ્થળે છરીના 10 જેટલા ઘા વાગ્યાના નિશાનો જોવા મળ્યા હતા, ઉપરાંત ધોકા વડે પણ મુઢ માર મારવામાં આવ્યો હોવાનું જોવા મળ્યું હતું. જેથી એક થી વધુ શખ્સો દ્વારા સંખ્યાબંધ ઘા ઝીંકી દઇ તેને રહેંસી નાખ્યો હોવાનું પોલીસે તારણ કાઢ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે મૃતકની પત્ની પુનમબેનની ફરિયાદના આધારે જામનગરના ત્રણ શખ્સો સહિતનાઓ સામે પૂર્વ યોજિત કાવતરું ઘડી હત્યા અંગે નો અપરાધ નોંધ્યો છે. જેમાં દારૂના ધંધા ખાર અને પોલીસને બાતમી આપવાના કારણે હત્યા થઇ હોવાનું અનુમાન લગાવાયું છે. આરોપી અમીત અશોકભાઈ પીપળીયા કોળી રહે. કોળીવાસ ધુવાવનાકુ, સાગર ઉર્ફે ધમભા મહાકાલ જયસુખભાઇ કારડીયા રહે.રણજીતનગર જુનો હુડકો બ્લોક નં 1194 જામનગર અને આકાશ ઉર્ફે બબન પરેશભાઈ કોળી રહે. કોળીવાસ જામનગરવાળા સખ્સો સામે હત્યા, હત્યાનું કાવતરા સબબ ફરિયાદ નોંધી પંચકોશી એ ડીવીજન પોલીસે ત્રણેય આરોપીઓના સગડ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. પોલીસે ટેકનીકલ ટીમની મદદ લઇ જુદી જુદી ટીમો બનાવી આરોપીઓ સુધી પહોચવા કવાયત શરૂ કરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ઉપરોકત ત્રણેય આરોપીઓને શોધી કાઢી વિધિવત રીતે આજે તેઓની અટકાયત કરી લેવામાં જામનગર પોલીસની ક્રાઇમ બ્રાંચની ટીમે સફળતા મળી છે. ત્રણેય આરોપીઓને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી પણ પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળે છે.