કાલાવડ તાલુકાના નગરપીપળીયા ગામના પાટીયા પાસે ગઈ કાલે પસાર થતા એક બોઈલર ટ્રકના પાછળના ભાગે વીજ કંપનીનો વાયર ફસાઈ જતા ૧૧ કેવીનો વીજ પોલ ધરાસાઈ થઇ ગયો છે. વીજ કંપનીએ ટ્રક ચાલક સામે કંપનીને એક લાખની નુકસાની પહોચાડી હોવાની કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નગરપીપળીયા ગામે ગઈ કાલે સવારે દશેક વાગ્યાના સુમારે જી.જે.-૦૧-બી.વાય.-૫૧૬૪ના ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે બેદરકારીથી ચલાવી પોતાના ટ્રકના પાછળના ભાગે રહેલ બોઇલર મસીનમા પી.જી.વી.સી.એલ. કંપનીના વીજલાઇનના તાર ફસાવી દઇ, ૧૧ વીજ પોલ વીજલાઇન સાથે પાડી નાખી, વીજ પ્રવાહ જતો અટકાવી પી.જી.વી.સી.એલ.ને આશરે રૂ.૯૫,૬૪૦નુ નુકસાન પહોચાડ્યું હતું. પોલીસે આ બાબતે પીજીવિસીએલના ગૌરાંગભાઇ વાલજીભાઇ ટપુભાઇ કુવારદાએ આરોપી ટ્રક ચાલક દિનેશભાઇ ભગીરથભાઇ યાદવ રહે.નગલા નથા તા. કરેલ (બરનાદલ વાના) જી.મૈંનપુરી (યુ.પી) વાળા સામે આઇ.પી.સી. કલમ- ૨૭૯, ૪૨૭ તથા ઇલેક્ટ્રીસીટી એક્ટ ૨૦૦૩ ની કલમ ૧૩૯ મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે.
