



રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના એક દિવસ પહેલા વડીયા તાલુકાના હનુમાન ખીજડિયા ગામમાં સરપંચ સહિતના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. વિદ્યાર્થીઓ માટે સમયસર એસટી બસ ચાલુ ના થતા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરીને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
હનુમાન ખીજડિયાના વિદ્યાર્થીઓને વડિયા સ્કૂલમાં જવા કે આવવા માટે એસટી બસની કોઇ સુવિધા નથી. એસટી વિભાગના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતા અધિકારીઓએ ગ્રામજનોની વાતને નજરઅંદાજ કરી હતી અને અધિકારીઓને વારંવાર ફોન કરવા છતા તેમના ફોનને બ્લેક લિસ્ટમાં મુકી દીધા હતા. તે બાદ ગુસ્સે થયેલા ગ્રામજનોએ કલેક્ટરને લેખિતમાં પ્રશ્નની રજૂઆત કરી બસની સુવિધા શરૂ નહી થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.
ગ્રામજનો વતી સરપંચે કલેક્ટરને લેખિત રજૂઆત કરતા કહ્યુ કે, અમારા ગામમાં વડીયાથી હનુમાન ખીજડીયાની વિદ્યાર્થી ફેરાની એસ.ટી. બસ ઘણા સમયથી અનીયમીત છે, તથા બગસરા ડેપો મેનેજરને કહીએ તો તે કહે છે કે જેતપુર ડેપોની બસ તમો આવે તથા બગસરા ડેપો મેનેજર બહેન ફોનમાં સરખા જવાબ પણ આપતા નથી તથા અમારા મોબાઇલ નંબર બ્લેક લીસ્ટમાં નાખી દીધેલ છે અને મારા ગામની વિદ્યાર્થીને તથા વિદ્યાર્થીઓ ઘણા સમયથી હેરાન પરેશાન છે. આથી અમારા ગામની વડીયાથી હનુમાન ખીજડીયા રૂટની બસ 1 દિવસમાં શરૂ કરવામાં નહી આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું, જેની ગંભીર નોંધ લેવા વિનંતી.