બગસરાના માણેકવાડામાં પરિણીતાએ કોઇ કારણસર ઝેરી દવા પી લીધા બાદ તેની ચાર માસની પુત્રીને સ્તનપાન કરાવતા તેને પણ ઝેરની અસર થતા સારવાર દરમિયાન મોત થયુ હતુ.
માણેકવાડા ગામમાં રહેતા કાજલ અજયભાઇ વાઘેલા (ઉ.વ.20)ને માવતરે જવુ હોવાથી પતિએ ખેતરમાં સાંત હાંકવાની હોવાથી પછી જવાનું કહેતા પરિણીતાને લાગી આવ્યુ હતુ. પતિ સહિતના પરીવારજનો સવારે કામે જતા રહ્યા હતા તે બાદ પરિણીતાને લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. તે બાદ પરિણીતાને બગસરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
સારવાર દરમિયાન પરિણીતાએ તેની ચાર માસની પુત્રી રડતી હોવાથી તેને સ્તનપાન કરાવ્યું હતું. જેમાં બાળકીને પણ ઝેરી દવાની અસર થતા તેને બગસરાથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ સ્થિત કે.ટી.ચિલ્ડ્ર્ન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત થતા પરિવારમાં શોકની લહેર છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે બગસરા પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.