જામનગરમાં પટેલ કોલોની શેરી નં.9માં આવેલા એક એટીએમ મશીનમાંથી એટીએમ કાર્ડ અને રૂપિયા મળી આવ્યા બાદ ગાંધીનગર રહેતા યુવાને પોલીસનો સંપર્ક કરી જે તે આસામીને કાર્ડ અને રૂપિયા પરત કરાવી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડ્યું છે. જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં આવેલ મોમાઇનગર શેરી નં.2માં રહેતાં ગીરીરાજસિંહ અમરસિંહ જાડેજા નામના આસામી ગઇકાલે પટેલ કોલોની શેરી નં.9માં આવેલ પાવન ડેરી નજીકના એટીએમમાં રૂપિયા ઉપાડવા માટે ગયા હતાં ત્યારે એટીએમ મશીનમાં કાર્ડ સાથે રૂપિયા 30500 ની રકમ મળી આવી હતી. આ કાર્ડ અને રૂપિયા ભૂલીને જતા રહેલ વ્યક્તિ અંગેનો તાગ મેળવવા માટે ગીરીરાજસિંહ જાડેજા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. જેને લઇને પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી કાર્ડધારક મહિલાને શોધી કાઢવામાં આવી હતી. પટેલ કોલોની શેરી નં.10માં આવેલ સાકાર એપાર્ટમેન્ટમાં રહેતાં જીજ્ઞાબેન દિવ્યેશભાઇ દેસાઇ નામના મહિલાનો પોલીસે સંપર્ક કરી તેઓને પોલીસ સ્ટેશન બોલાવી લીધા હતાં. જ્યાં ગીરીરાજસિંહ જાડેજાની હાજરીમાં જે તે મહિલાને પોલીસે એટીએમ કાર્ડ અને રૂા.30,500 ની રોકડ સુપ્રત કરી હતી. પોલીસે આ રૂપિયા અને કાર્ડ પરત અપાવનાર ગીરીરાજસિંહની પ્રામાણિકતાને બિરદાવી હતી.