પાટણ ડીસા હાઇવે સ્થિત જીલ્લાની માહિતી પ્રસારણ કચેરીથી ગીતાંજલિ છાપરાને જોડતો માર્ગ નર્કાગાર પરિસ્થિતિમાં ફેરવાયો છે.આ માર્ગ પર ભરાતા ગંદા પાણીના નિકાલની અનેક રજુઆતો બાદ નગરપાલિકાના સત્તાધીશોની આંખે જાણે અંધાપો આવ્યો હોય તેમ આ સમસ્યા સતાધીશો નજર અંદાજ કરતાં હોય તેમ છેલ્લા ઘણા સમયથી પેટ્રોલપંપ નજીકના વળાંક પર અને માહિતી પ્રસારણ કચેરીના મુખ્ય દરવાજા નજીક જ ગંદા પાણી તેમજ કાદવ કીચડની પરિસ્થિતિને લઇ અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહયા છે . અગાઉ નગરપાલિકા તંત્ર દ્વારા માત્ર રોડા – કોકરેટ અને માટીનું પુરાણ કરી કામગીરીનો દેખાવ કર્યો હતો . પરંતુ અહીંયા ભરાઇ રહેતા ગંદા પાણી અને કાદવ કીચડના કાયમી નિકાલની કોઇ જ કામગીરી કરવામાં આવી ન હોય જેથી આ માગૅ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો સહિત માહિતી ખાતા ની કચેરી નાં અધીકારીઓને, કમૅચારીઓ ને તેમજ બી ડિવિઝન પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ સ્ટાફ ને અનેક હાલાકી ભોગવવી પડી રહી છે. આ વોડૅ માંથી નગર પાલિકાની ચુંટણીમાં ચૂંટાયેલા પાંખના સુધરાઇ સભ્યો ચૂંટણી પૂર્વે તેમના વોર્ડ વિસ્તારોમાં મત લેવા સફાઇના નાટકો કરી તમારા વોર્ડને સ્વચ્છ અને પેવરીંગ રોડની સુવિધાઓ આપવામાં આવશે તેવા પોકળ વચનો જ આપ્યા હતા પરંતુ ચૂંટાયા બાદ હવે મતદારોની આવી સમસ્યાઓ ઉકેલવા માટે વોર્ડ વિસ્તારના ચૂંટાયેલા સુધરાઇ સભ્યોને હાથ જોડવાનો વારો આવ્યો છે. ત્યારે આ વિસ્તારના મતદારો એ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નગર પાલિકામાં આવું જ ચાલે વોટ લેવો હોય ત્યારે હાથ જોડે અને ચુંટણી જીતી ગયા પછી પ્રજા કોઇ કામ કરાવવા આવે ત્યારે સુધરાઇ સભ્યો બોંયો ચડાવી ઉડાઉ જવાબ આપે છે. છેલ્લા ત્રણેક મહિનાથી માહિતી ખાતાની ક્ચેરી તરફ જવાના માર્ગ પર સર્જાતી આ સમસ્યા હવે અહીંના સ્થાનીક વેપારીઓ સહિત ગીતાંજલિ છાપરાની સોસાયટી વિસ્તારના લોકો માટે પેચીદી સમસ્યા બની ગઇ છે જો પાલિકા દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નહી આવે તો આગામી દિવસોમાં આ વિસ્તારના રહીશો સહિતના લોકો દ્વારા પાલિકા ખાતે હલ્લાબોલ કાર્યક્રમ આયોજિત કરવામાં આવનાર હોવાનુ જાણવા મળ્યુ છે.