ખંભાત તાલુકાના કેટલાક ગામોમાં આઝાદીનાઆટલા વર્ષો પછી પણ અસ્પૃશ્યતાનું ભૂત ધૂણી રહ્યું છે પરંતુ તાજેતરમાં સંપન્ન થયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી જાણે હવે આભડછેટને દૂર કરવાનું નિમિત્ત બની રહી છે . પાંદડ ગામના ક્ષત્રિય સમાજના મહિલા સરપંચે ગામના મંદિરમાં દલિતોની સાથે પ્રવેશ લઇ જાણે સૌને એક અલગ રાહ ચિંધ્યો છે . સ્વતંત્રતા બાદ પ્રથમ વાર ગામના મંદિરમાં દલિતોને પ્રવેશ મળતા તેમણે ખરા અર્થમાં વિજયોત્સવની અનુભૂતિ કરી હતી . ખંભાત તાલુકાના પાંદડમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે રાજપૂત સમાજના હુલ્લાસબેનપ્રતાપસંગ ધુમ્મડ 77 મતથી વિજેતા જાહેર થયા હતા . સરપંચ , તેમના પતિ અને સમર્થકોએ પહેલા વણકર મહોલ્લામાં આવેલા વણકર સમાજના સંત રૂપાપીર મંદિરના દર્શન કર્યા હતા ત્યારબાદ સરપંચનું વિજય સરઘસ ગામ મધ્યે આવેલા પ્રસિધ્ધ ખોડિયાર મંદિર પહોંચ્યું હતું . મંદિરમાં વર્ષોથી દલિતો માટે પ્રવેશ નિષેધ હતો . પરંતુ નવનિયુક્ત સરપંચ અને ગામની યુવતીને કારણે બંને સમુદાય એકસાથે દલિતોને મંદિરમાં પ્રવેશ કરાવી સામાજિક એકતાની મિશાલ પૂરી પાડી હતી . આ અંગે પાંદડ તાલુકા પંચાયતના સભ્ય અનિલભાઈ પરમારે જણાવ્યું હતું કે , અમે ઘણા વર્ષોથી અમે અસ્પૃશ્યતાનો ભોગ બનીએ છીએ . જો કે નવા સરપંચ હકારાત્મક વલણ ધરાવનાર છે યુવાનોની ટીમના માર્ગદર્શન હેઠળ આજે દલિતો અને ગામમાં આવેલા ખોડિયાર મંદિરમાં શ્રધ્ધાભેર ધૂમધામથી પ્રવેશ કરાવવામાં આવ્યો છે અને તમામ દલિત સમાજ વતી યુવાનો અને નવનિયુક્ત સરપંચ નો આભાર માનીએ છીએ . આ અંગે સરપંચ હુલ્લાસબેન ધુમ્મડે જણાવ્યું હતુંકે , અમે બધા સમાનતા સાથે ગામમાં રહીશું અને સૌને ન્યાય અને હક્ક મળે તેવા પ્રયાસ કરીશું . આઝાદી કાળથી ચાલી આવેલી અસ્પૃશ્યતાની દિવાલને તોડીશું . સરપંચના પતિ પ્રતાપસંગે જણાવ્યું હતું કે , અમારા મતે કોઇ ભેદભાવ નથી . આગળ પણ અમે સાથે મળીને કામ કરીશું . ચૂંટણીમાં વિજેતા બનેલા દલિત મહિલા સભ્ય જશીબેને જણાવ્યું કે , નવનિયુક્ત સરપંચ અને સ્થાનિક યુવાનોના આ પ્રયાસોને કારણે ખોડિયાર મંદિરમાં પ્રવેશ બાદ હવે આ ખાલીપો પૂરાઈ ગયો છે . મને આનંદ છે કે આવા આદર્શ વિચારસરણીવાળા સરપંચ સાથે કામ કરવાની તક મળી છે .
