(જી.એન.એસ) તા. 19
જામનગર,
ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયના આદેશ અનુસાર રાજ્યની પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કુલ 7612 શખ્સોની યાદી તૈયારી કરી છે, ત્યારે જામનગર શહેર અને જિલ્લાના અસામાજિક તત્ત્વોને ઓળખ કરીને છેલ્લા બે દિવસથી જિલ્લા પોલીસ તંત્ર દોડતું થયું છે. જિલ્લા પોલીસ વડા સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કરી રહ્યા છે, ત્યારે પોલીસે જામનગરમાંથી 285 અસામાજિક તત્ત્વોની ઓળખ કરીને તમામ શખ્સોના ગુનાહિત ઈતિહાસની માહિતી એકત્ર કરવામાં આવી હતી.
જામનગર શહેર અને જિલ્લામાંથી અસામાજિક તત્ત્વોને શોધી કાઢવા માટે જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. જેમાં પોલીસની અલગ-અલગ ટીમ બનાવીને આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. છેલ્લા 24 કલાકમાં શહેરમાંથી 46 અસામાજિક તત્ત્વોને એલસીબીની કચેરી ખાતે હાજર કરવામાં આવ્યા હતા. બુધવારે જિલ્લા પોલીસવડા તમામ અસામાજિક તત્ત્વોની પૂછપરછ કરવાની સાથે જરૂરી સૂચનાઓ પણ આપી હતી. જેમાં એસપીએ જણાવ્યું હતું કે, ‘શહેરમાં કોઈપણ ટપોરીગીરી કરતા જોવા મળશે, તો આવા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’
જામનગર પોલીસ વિભાગ દ્વારા શહેર અને આસપાસના વિસ્તારોમાં સરકારી જમીનમાં માથાભારે શખ્સોએ કરેલાં ગેરકાયદે દબાણને દૂર કરવાને લઈને વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે. આ મામલે એલસીબીની કચેરી ખાતે ખાસ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો હતો. જ્યારે આગામી દિવસોમાં અસામાજિક તત્ત્વો દ્વારા કરાયેલા ગેરકાયદેસરના દબાણોને લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.