વાપી પોલીસને 21 વર્ષથી ફરાર આરોપીને પકડવામાં મળી સફળતા
(જી.એન.એસ) તા. 18
વાપી,
વર્ષ 2004 માં વાપીના ભીલાડમાં ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં ફરાર થઈ ગયેલ એક આરોપીને ઉત્તર પ્રદેશના કાશી ચોરસી મઠ આશ્રમમાંથી સાધુવેશમાં ઝડપી લીધો હતો.
વર્ષ 2004માં વાપીમાં આવેલ ભિલાડ પોલીસ મથકમાં નોંધાયેલા ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં આનંદ શિવપૂજન તિવારીને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે આરોપીને પકડવા ભારે શોધખોળ કરવા છતાં કોઇ સફળતા મળી ન હતી.
ત્યારે હવે 21 વર્ષ બાદ ભિલાડ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ ભરત મેણશીભાઇને મળેલી એક બાતમીના આધારે પોલીસની ટીમ ઉત્તર પ્રદેશના કાશી સ્થિત ચોરસી મઠ આશ્રમમાં પહોંચી હતી.જ્યાં પોલીસે સાધુવેશ ધારણ કરી રહેતા આરોપી આનંદ તિવારીને પકડી પાડયો હતો. આરોપી ફરાર થયા બાદ આશ્રમમાં પહોંચી સાધુ વેશ ધારણ કરી શ્રી શ્રી 108 સ્વામી અનંતનાથના નામે રહેતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી ભિલાડ લવાયો હતો.