(જી.એન.એસ) તા.15
અમદાવાદ,
યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર અંતર્ગત મેરા યુવા ભારત વિભાગ હેઠળ નેહરુ યુવા કેન્દ્ર, અમદાવાદ, રાષ્ટ્રીય સેવા યોજના અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરવા દેશના યુવાનોને રાષ્ટ્રના વિકાસમાં સક્રિય ભાગીદાર બનાવવાના ઉદ્દેશ્ય સાથે વિકસિત ભારત યુવા સંસદનું માર્ચ મહિનામાં આયોજન કરવામાં આવ્યું છે. આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અમદાવાદ અને સુરેન્દ્રનગર એમ 2 જિલ્લાઓની ભાગીદારી રહેશે અને કાર્યક્રમનું આયોજન નોડલ જિલ્લા તરીકે અમદાવાદ જિલ્લા દ્વારા ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાઓના વિચારો અને સૂચનોને રાષ્ટ્રીય સ્તર સુધીનું મંચ પૂરું પાડવાનો અને તેમને લોકશાહી પ્રક્રિયામાં સામેલ કરવાનો છે. વિકસિત ભારત યુવા સંસદ એ એક રાષ્ટ્રીય પહેલ છે. જે દેશભરના યુવાનોને એક મંચ પર લાવે છે. જેથી તેઓ રાષ્ટ્રના વિકાસ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી, તેમના વિચારો રજૂ કરી શકે.
આ સંસદમાં યુવાઓને ધર્મ, યુવા વિકાસ, રાજકારણ, સામાજિક મુદ્દાઓ અને રાષ્ટ્ર નિર્માણના અન્ય મહત્વપૂર્ણ વિષયો ઉપર તેમના મંતવ્યો વ્યક્ત કરવાની તક મળશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માંગતા ઇચ્છુક યુવાનો માય ભારત પોર્ટલ ઉપર પોતાનું રજિસ્ટ્રેશન કરાવીને ભાગ લઈ શકશે. માય ભારત પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા દરમિયાન યુવાનોએ “ વિકસિત ભારતનો તમારા માટે શું અર્થ છે ? ” એ વિષય ઉપર એક મિનિટનો વિડીયો બનાવી અપલોડ કરવાનો રહેશે. અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના યુવાનો માટે યુવા સંસદ કાર્યક્રમનું આયોજન ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ખાતે કરવામાં આવશે જેમાં અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના યુવાનો ભાગ લઈ શકશે. જેથી ભાગ લેવા ઈચ્છુક 18થી 25 વર્ષના બંને જિલ્લા ના મૂળ રહેવાસી યુવા સ્પર્ધકોએ વહેલામાં વહેલી તકે તા.16 માર્ચ 2025ના રાત્રિ 11.59 કલાક સુધીમાં પોતાનું રજિસ્ટ્રેશન My Bharat પોર્ટલ પર કરી પોતાનો આપેલ વિષે પર 1 મિનિટનો વિડિયો અપલોડ કરી આવેદન કરવાનું રહેશે. સર્વશ્રેષ્ઠ 150 યુવાનો ને જિલ્લા કક્ષના કાર્યક્રમ માં ભાગ લેવા આમંત્રણ આપશે.
વધુમાં જિલ્લા યુવા અધિકારીશ્રી, પ્રિતેશ કુમાર ઝવેરીએ જણાવ્યું કે, જિલ્લા નોડલ કેન્દ્રથી પસંદગી પામેલ સર્વશ્રેષ્ઠ દસ (10) યુવાનોને રાજ્ય કક્ષાએ ગુજરાત વિધાનસભામાં વિકસિત ભારત યુવા સંસદ સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે. તેમજ રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ યુવાનોને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાની ઉત્તમ તક મળશે.
અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના યુવાનો માટે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા યુવા અધિકારીશ્રીની કચેરી, નહેરૂ યુવા કેન્દ્ર, અમદાવાદ તથા ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી રહ્યું છે.