અમદાવાદમાં એસપી રિંગ રોડ પર બની રહેલો નિર્માણાધીન ઓવરબ્રિજ મોડી રાત્રે અચાનક તૂટી પડ્યો હતો. બોપલથી શાંતિપુરા જવા માટે બની રહેલા બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો હતો. બનાવની જાણ થતા જ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારી અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોકે, બ્રિજનું કામ ચાલુ હોવાને કારણે કોઇ જાનહાનિ થઇ નહતી.
બોપલથી શાંતિપુરા જતા રિંગ રોડ પર વાયએમસી ક્લબ રોડના ટર્નિંગ પાસે છેલ્લાં છ મહિનાથી ઔડા દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે આ બ્રિજનો ભાગ તૂટી પડ્યો ત્યારે કોઈ વાહનો અહીંથી પસાર થઈ રહ્યા નહોતા. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઔડાના અધિકારીઓ અને ઈજનેર વિભાગના અધિકારીઓ તપાસ શરૂ કરશે.
ઔડા દ્વારા રણજીત બિલ્ડકોનને બ્રિજનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ બ્રિજની કામગીરીની સમીક્ષા કરશે. આજે ઔડાની ટીમ પણ ધરાશાઇ થયેલા બ્રિજની મુલાકાત લેશે.