ઉત્તર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ઉત્તરના ઠંડાહેમ પવન ફૂંકાવાનું શરૂ થયું છે. જેને લઇ છેલ્લા 24 કલાકમાં ઠંડી વધુ 3 ડિગ્રી વધતાં 5 પૈકી 4 શહેરોમાં ઠંડીનો પારો 8 ડિગ્રી પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ગત 14 જાન્યુઆરીએ કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો. એટલે કે, 10 દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં ચાલુ મહિનાનો ઠંડીનો છેલ્લો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ ઠંડી 3 ડિગ્રી વધે તો 10 વર્ષનો રેકોર્ડ પણ તૂટી શકે છે. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2012 થી 2021 સુધીમાં જાન્યુઆરી મહિનામાં સૌથી વધુ 6 ડિગ્રી ઠંડીનો તા.12 જાન્યુઆરી, 2017નો રેકોર્ડ રહ્યો છે. હજુ 3 ડિગ્રી પણ ઠંડી વધશે તો છેલ્લા 10 વર્ષની ઠંડીનો રેકોર્ડ તૂટી જશે.
ઉત્તર ગુજરાતમાં સતત બીજા દિવસે કાતિલ ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યો હતો. શીતલહેરના કારણે 48 કલાકમાં 7 થી 10 ડિગ્રી જેટલી ઠંડી વધી છે. ઠંડાહેમ જેવા પવનના કારણે સામાન્ય જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે. દિવસભરના ઠંડા વાતાવરણ વચ્ચે સવારે અને મોડી સાંજ બાદ મોટાભાગના જાહેર રસ્તા ઉપર કર્ફ્યુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસમાં હજુ ઠંડી 2 થી 4 ડિગ્રી ઘટશે. જેને લઇ 27 જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાતમાં શીતલહેર ફૂંકાવાના કારણે હાડ થિજાવતી ઠંડીનો પ્રકોપ જોવા મળશે.
માઉન્ટ આબુમાં માઇનસ 4 ડિગ્રી, બરફ જામ્યો માઉન્ટ આબુમાં ફરી એક વખત તાપમાન માઈનસ ચાર ડિગ્રીએ પહોંચ્યું છે, જેને પગલે પાણીના કુંડ-બગીચામાં બરફ છવાયો હતો. રવિવારની સાંજથી તાપમાન વધુ ઘટવા લાગ્યું હતું અને સોમવારે વહેલી સવારે માઉન્ટ આબુના અનેક વિસ્તારમાં-ગાર્ડનમાં બરફ છવાયેલો જોવા મળ્યો હતો તેમજ પાણીના કુંડા અને ગાડી ઉપર જેવી અનેક જગ્યા પર બરફ પથરાયો હતો.
રાહત 3 દિવસ બાદ ઠંડી ઘટવાનું શરૂ થશે હવામાન વિભાગ મુજબ, આગામી 3 દિવસ સિઝનની સૌથી વધુ હાડ થિજાવતી ઠંડી પડશે. ત્યાર બાદ તા.28-29 મીએ ઠંડીનું પ્રમાણ 2 થી 4 ડિગ્રી ઘટી શકે છે. એટલે કે, 28 મી બાદ ઠંડીનો પારો 11 થી 13 ડિગ્રીની આસપાસ રહી શકે છે.