(જી.એન.એસ) તા. 25
ગાંધીનગર,
વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્યશ્રી દ્વારા મનરેગા યોજના અંગે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૪,૪૮,૫૮૦ જેટલી તેમજ વર્ષ ૨૦૨૪-૨૫માં ૨,૯૭,૬૧૪ માનવદિન રોજગારી ઊભી થઈ છે. જેના માટે એક માનવદિન રોજગારીનો દર ગત તા. ૧/૪/૨૦૨૪થી રૂ. ૨૮૦/- નક્કી કરવામાં આવ્યો છે.
વર્ષ ૨૦૨૩-૨૪માં ઉભી થયેલી કુલ માનવદિન રોજગારી પૈકી ૧,૬૯,૦૦૦થી વધુ રોજગારી મહિલાઓ માટે તેમજ વર્ષ ૨૦૨૪-૨૫માં ૧,૨૨,૦૦૦થી વધુ રોજગારી મહિલાઓ માટે ઉભી થઈ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
સભ્યશ્રીના પૂરક પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪માં અનુસૂચિત જાતિ માટે ૭૦,૦૦૦થી વધુ તેમજ અનુસૂચિત જનજાતિ માટે ૨,૪૯૪ માનવદિન રોજગારી ઉભી થઈ છે. જ્યારે, વર્ષ ૨૦૨૪-૨૫માં અનુસૂચિત જાતિ માટે ૪૮,૯૦૦ તેમજ અનુસૂચિત જનજાતિ માટે ૨,૫૦૮ માનવદિન રોજગારી ઉભી થઈ છે.