(જી.એન.એસ) તા. 17
ગાંધીનગર,
રાજ્યના પાટનગર એવા ગાંધીનગર ખાતે જૂના સચિવાલયમાં આગ લાગવાની ઘટના બની છે. જૂના સચિવાલયનાં બ્લોક નંબર 7 માં આવેલ ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડની ઓફિસમાં આગ લાગી હોવાની માહિતી છે. ઓફિસનાં સર્વર રૂમમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. જો કે, ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. બેટરીઓ અને ભંગાર હોવાનાં કારણે આગ લાગી હોવાનાં પ્રાથમિક અનુમાન છે.
જૂના સચિવાલયમાં આગ લાગવાની ઘટના બની છે. માહિતી અનુસાર, જૂના સચિવાલયમાં આવેલ ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડની ઓફિસમાં અચાનક આગ લાગી હતી. ઓફિસનાં સર્વસ રૂમમાંથી ધૂમાડો નીકળતા દોડધામ મચી જવા પામી હતી. હાજર કર્મચારીઓએ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગનાં જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
સદનસીબે આ આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. પરંતુ, સર્વર રૂમમાં આગ લાગવાથી તેમાં રાખેલ તમામ સામાન બળીને ખાખ થયો છે. ફાયર વિભાગની પ્રાથમિક તપાસ અનુસાર સર્વર રૂમમાં બેટરીઓ અને અન્ય ભંગારનો સામાન હોવાનાં કારણે કોઈ કારણસર સ્પાર્ક થતાં આગ લાગી હોવાનો અનુમાન છે. જો કે, હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. આગ કાબૂમાં આવી જતાં તમામે રાહતનો શ્વાસ લીધો હતો.