મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત પ્રથમ BIMSTEC યુથ સમિટનો કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા ખડસે, 7 સભ્ય દેશના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં યુવાઓની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શુભારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ બંગાળના ઉપસાગરની આસપાસના દેશો વચ્ચે વિવિધ સેક્ટર્સમાં પરસ્પર સહભાગિતા સ્થાપવાના ઉદ્દેશ્ય સાથે સ્થાપવામાં આવેલ આ સંગઠનની સમિટના ગુજરાતની ભૂમિ પર આયોજનને ‘રાઈટ જોબ એટ રાઈટ પ્લેસ’ ગણાવતા કહ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવાઓને વિકસિત ભારતના નિર્માણ માટે પ્રોત્સાહિત કર્યા છે. તેમણે દેશની વિશ્વબંધુ તરીકેની છબીને ઉજાગર કરતાં અભિયાનના દ્રષ્ટાંત આપવાની સાથે એકજૂટતાથી વિશ્વ કલ્યાણ માટે આ સમિટ પ્રેરક બનશે તેમ જણાવ્યું હતું.
આ સમિટના ઉત્કૃષ્ટ હેતુનો સંદર્ભ આપતા મુખ્યમંત્રીશ્રીએ ફ્યુચરિસ્ટિક ટેકનોલોજીના વિકાસ અને વિનિયોગ દ્વારા ગેટવે ટુ ધી ફ્યુચર બનવા માટે સુસજ્જ ગુજરાતની ભૂમિ યુવાઓ માટે વિશ્વના વૈભવશાળી ભવિષ્યના નિર્માણ માટે સેવારત બનવા ઉદ્દીપક બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.