Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

તમે આવતી કાલે કેવા હશો એનો બધો આધાર આજે તમે શું વિચારો છો તેના ઉપર છે !

તમે આવતી કાલે કેવા હશો એનો બધો આધાર આજે તમે શું વિચારો છો તેના ઉપર છે !

ઊંઝા કેળવણી મંડળની વિવિધ અભ્યાસ સંસ્થાઓએ ‘વિદ્યાર્થી કારકીર્દી ધડતર’ અંગે જગદીશ બારોટ, પર્યાવરણ ઈજનેર, કેનેડાનો વાર્તાલાપ 1 ફેબ્રુઆરી 2025ના રોજ રાખ્યો હતો. તેના મુખ્ય મુદ્દાઓ :

[1] શિક્ષણ માત્ર નોકરી મેળવવા માટે જ નથી હોતુ. શિક્ષણથી જ્ઞાન, સંસ્કાર, શિસ્ત અને આપણા કર્તવ્યો/ જવાબદારીની જાણકારી મળે છે. ભણતરની સાથે જીવન ઘડતર પણ થાય છે. યાદ રાખજો ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ જેટલું જ મહત્વ આવડત (skills) નું છે. આટલા મોટા દેશ માં બધા ને સરકારી નોકરી મળે એ શક્ય નથી. તીવ્ર હરિફાઇ રહેવાની. જે શક્તિશાળી (શરીર અને આવડતમાં) હશે તે ટકી રહેશે. Fittest survive. આરામની નોકરી તો આળસુ કે અશક્ત લોકો શોધે. આજીવિકા માટે નોકરી એ જ માત્ર વિકલ્પ નથી. બીજા અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. વેપાર ધંધા કે ઉદ્યોગ પણ શરુ કરી શકાય. શરુઆત નાના પાયે કરી ધીરે ધીરે આગળ વધી શકાય.

[2] જીવન નું લક્ષ્ય નક્કી કરવામાં તમારી પોતાની અભિરુચી, સંજોગો અને સંસાધનો (available resources) ધ્યાનમાં લેવાં પડે. સંજોગો બદલાય એમ લક્ષ બદલી શકાય. ભગવદગીતા કહે છે તેમ આપણો વિકાસ (ઉદ્ધાર) આપણે જાતે જ કરવાનો છે. પારકી આશ સદા નિરાશ. આત્મવિશ્વાસ કેળવવાનો છે. દ્રઢ મનોબળ એ સૌથી મોટી શક્તિ છે. તું તારો દિવો થાજે. આપણા ઘડવૈયા આપણે પોતે છીએ. પુરુષાર્થી માટે કશુ અશક્ય નથી. ખુદનો ભરોંસો હોય નહિં તેને ખુદાનો ભરોંસો નકામો.

[3] વૈજ્ઞાનિક અભિગમ કેળવજો, કુતુહલ/ જિજ્ઞાસાવૃત્તિ કેળવજો, દરેક ઘટના પાછળ કોઇક કારણ હોય છે જે જાણવા, સમજવા પ્રયત્ન કરજો. સમજવા થી જ્ઞાન વધશે, હંમેશ યાદ રહેશે. ભાગ્યના આધારે બેસી રહેવાનું નથી. આપણું ભાગ્ય આપણે નિર્માણ કરવાનું છે. રોજ નવુ જાણવા, શીખવા પ્રયત્ન કરજો, વિજ્ઞાન રોજ પ્રગતિ કરતુ રહે છે, ટેકનોલોજી ઝડપથી બદલાય છે. જાણવા/ શીખવાનું બંધ કરશો એ દિવસે વિકાસ અટકી જશે. જે કામ ગમતુ હોય તે મેળવા પ્રયત્ન કરજો. એ ના મળે તો જે મળ્યુ છે એને ગમાડજો. કામ ને ગમાડવાથી સફળતા, યશ અને આનંદ મળે છે. પ્રગતિ થાય છે. વેઠ ઉતારવાથી બદનામી કે અપયશ મળે છે, થાક લાગે છે અને પ્રગતિ અટકી જાય છે.

[4] શિસ્તપાલન એ જીવનમાં સફળતા મેળવવા અને પ્રગતિ કરવા માટેની પાયાની જરુરિયાત છે. શિસ્તપાલનમાં નિયમિતતા કે સમય પાલન નો પણ સમાવેશ થાય છે. જે નથી મળ્યુ એનાં રોદણાં રોવામાં સમય બરબાદ કરશો નહિં. જે મળ્યું છે એનો ઉત્તમ ઉપયોગ કરજો. હૈયુ, મસ્તક (મન-વિચારની શક્તિ) અને હાથ તો જન્મની સાથે જ વરદાન રુપે મળ્યા છે. આ ત્રણ ના સદુપયોગથી ધારો તે ચમત્કાર કરી શકશો. યાદ રાખજો ચમત્કાર કુદરત કે ભગવાન નથી કરતા. બધા ચમત્કાર માનવી જ કરે છે.

[5] સફળ વ્યક્તિ જરુર બનજો. પણ માનવી બનવાનું ભુલી ન જતા. માનવતાથી મોટો કોઇ ધર્મ નથી. સદાચાર એ માનવીનું ઘરેણું છે. મોટા ભાગનાં મા બાપ કે વાલીઓ પોતાનાં બાળકોને દાક્તર કે એન્જિનીયર બનાવવા માગે છે કારણ કે એમાં કમાણી ઝાઝી છે. શું આપણા જીવન નું લક્ષ્ય એક માત્ર પૈસા કમાવાનું છે? ભર્તૃહરિ નીતિશતકમાં કહે છે, ‘સેવાથી મોટો કોઇ ધર્મ નથી.’ કોઇ કામ હલકું કે નાનું નથી. મહેનત કરવામાં નાનમ શાની? મહાન માણસો મહાન કામો કરતા નથી. તેઓ નાનાં કામો મહાન રીતે કરે છે. ગાંધીજી પોતાનું શૌચાલય જાતે સાફ કરતા હતા. વર્ણ આધારિત વ્યવસાયના દિવસો હવે પુરા થયા છે. રોજગાર કે વ્યવસાય નાં અનેક ક્ષેત્રો છે. સમાજ ને સારા શિક્ષકો, સૈનિકો, વૈજ્ઞાનિકો, વકીલો, મેનેજરો, નર્સો, ડ્રાઇવરો, સમાજ સેવકોની જરુર છે.

[6] આજના આ વૈશ્વિકરણના જમાનામાં દેશ-દેશ વચ્ચેની દિવાલો ઓગળી ગઇ છે. જગત એક ગામડું બની ગયું છે. વિકાસની વિશાળ તકો પડેલી છે. તકની રાહ જોઇને બેસવાનું નથી. તકો આપણી આસપાસ પડેલી જ છે. તકને ઓળખવાની છે અને ઝડપી લેવાની છે.

[7] રાજકારણને સમજજો જરુર પણ તેમાં અત્યારે પડતા નહિં. રાજકારણીઓના હાથા ન બની જતા. આ ઉંમર ભવિષ્યના ઘડતરની છે, રાજકારણ ખેલવાની નથી. તમે આવતી કાલે કેવા હશો એનો બધો આધાર આજે તમે શું વિચારો છો તેના ઉપર છે. (You are what you think.) એટલે રોજ સારુ સારુ વિચારજો. ઊંચા વિચારો જ તમને ઊંચાઈએ પહોંચાડશે. શ્રેષ્ઠ માગો, શ્રેષ્ઠ મળશે. જો તમે વિચારશો કે હું આ કરી શકીશ તો નક્કી તમે તે કરી શકશો. તકલીફો દરેકના જીવનમાં આવે છે. તકલીફોથી માણસ ઘડાય છે. મજબુત થાય છે. તકલીફોથી ડરી જવાનું નથી. તકલીફોનાં કારણ જાણવાનાં છે અને ઉપાય શોધવાના છે. રસ્તામાં નડતા પથ્થરોનો પગથિયા તરીકે ઉપયોગ કરી ઊંચે ઉઠવાનું છે. મહેનત વિના સિધ્ધિ મળતી નથી. સાચી દિશાના પ્રયત્નો કદી નિષ્ફળ જતા નથી. ભગવદગીતા પણ કહે છે કુશળતા પૂર્વક કરેલું કામ જ ભક્તિ છે. કર્મયોગનો ગીતાનો સંદેશ જગત આખાને પ્રેરણા આપે છે. કમ્ફર્ટ ઝોન (એશ આરામ) માંથી બહાર આવવું પડશે.

[8] સાહસ વિના સમૃધ્ધિ મળતી નથી. જુની કહેવત છે, ‘ડાહ્યો દિકરો દેશાવર વસે.’ પહેલાંના વખતમાં મુંબઇ, કલકત્તા કે મદ્રાસ પણ દેશાવર કહેવાતાં. આજે તો ભણવા કે કમાવા પણ વિદેશોમાં જઇ શકાય છે. કશુ મફત મળતું નથી. અભ્યાસ નાં પુસ્તકો ઉપરાંત રજાના દિવસો કે વેકેશનમાં ઈતર વાંચન કરજો. સફળ માણસોની જીવનકથાઓ વાંચજો. શહિદ ભગતસિંહ જેવા વીરોની જીવનકથા નવી પ્રેરણા અને હિંમત આપશે. બધુ જ્ઞાન વર્ગખંડમાં મળતું નથી. પુસ્તકાલય, જગતનું અવલોકન અને સારા મિત્રો તથા સંબંધીઓ સાથેના વ્યવહારમાંથી પણ જ્ઞાન મેળવતા રહેવાનું છે.

[9] તમારી શક્તિઓ અને ખામીઓનું મુલ્યાંકન કરજો. તમારી રુચિ અને આવડત જાણી તે મુજબનો વ્યવસાય પસંદ કરજો. બધા જ કામો માં ધારી સફળતા મળે તે શક્ય નથી. નિષ્ફળતા પચાવતાં શીખવાનું છે. નિષ્ફળતામાંથી પણ અનુભવના પાઠ શીખવા મળે છે. સમય ની સાથે ચાલજો. પરિવર્તન જીવનનો નિયમ છે. અંગ્રેજી અને કોમ્પ્યુટર નું જ્ઞાન તમારો આત્મવિશ્વાસ વધારશે.બધી સિધ્ધિઓ મેળવવાનું ઉત્તમ સાધન તમારું શરીર છે. તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે. એના માટે શિસ્ત, સંયમ અને પૌષ્ટિક ખોરાક જરુરી છે. વ્યસનોથી દુર રહેજો. [સૌજન્ય : જગદીશ બારોટ]

संबंधित पोस्ट

આ કેવો પક્ષ, જે લોકોને/ નાગરિકોને હજુ પ્રજા જ માને છે?

Karnavati 24 News

रशिया-यूक्रेन युद्ध: यूक्रेनी सेना के अधिकारी ने कहा- ‘राष्ट्र को सबसे ज्यादा ‘हवाई रक्षा प्रणाली’ की आवश्यकता’

Karnavati 24 News

વોર્ડ નં ૧૮ માંજલપુર કોંગ્રેસ સમિતિ વડોદરા દ્વારા આગામી સમયમાં વોર્ડ માં સંગઠન મજબૂત કરવા સાથે સાથે વોર્ડ માં કાર્યક્રમ આપવા અને પક્ષને કેવી રીતના મજબૂત કરવાના ધ્યેય ને અનુલક્ષી વોર્ડ નં ૧૮ ના મહત્વના કાર્યકર્તા મીટીંગ અને ચર્ચા વિચારણા

Karnavati 24 News

यूपी के अलीगढ़ में ट्रेन से कटकर एक युवक के शरीर उड़े चिथड़े।

Karnavati 24 News

213 वैकेंसी : सिर्फ महिलाओं के लिए मौका, सैलरी 15,000 रुपये प्रतिमाह

Karnavati 24 News

 Christmas 2021: શું સેન્ટા ક્લૉસે લગ્ન કર્યા હતા? કોણ હતો બાળકોને ગિફ્ટ આપનાર વ્યક્તિ

Karnavati 24 News
Translate »