આ કેવો પક્ષ, જે લોકોને/ નાગરિકોને હજુ પ્રજા જ માને છે?
22 ડિસેમ્બર 2024ના રોજ. ગાંધીનગરના અડાલજ ખાતે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ‘પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ના પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. 20 જાન્યુઆરી 2025ના રોજ વડોદરામાંથી પસાર થતાં ‘પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ બેનર જોયું, જેમાં શંકરસિંહ વાઘેલાનો ફોટો હતો. આ પાર્ટીના અધ્યક્ષ દાંતા સ્ટેટ રાજવી રિદ્ધિરાજસિંહ પરમાર છે. આ પાર્ટીને 2021માં ભારતના ચૂંટણી આયોગે તથા 2023માં રાજ્ય ચૂંટણી આયોગે માન્યતા આપી હતી.
શંકરસિંહે કહ્યું હતું કે ‘રાજકીય પાર્ટીઓ મેચ ફિક્સિંગથી ચાલે છે, મેરીટવાળા કાર્યકરોને પૂરા કરવાનું કાવતરું ચાલે છે. બુટલેગરને સ્ટેજ પર પગે લાગવાનું ! જે લોકો ખરાબ હોય તે આ પાર્ટીમાં ન આવે. એવા લોકોને ભેગા કરવા માટે આ પાર્ટી બનાવવામાં આવી નથી. પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી નવી દિશા છે, લોકોમાં ભય દૂર કરવા અને પ્રજાને દુખમાંથી બહાર કાઢવા માટેની પાર્ટી છે. રાજ્યમાં તમામ વર્ગો મોંઘવારી, બેકારી અને અસલામતીથી દુ:ખી છે.’
આ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાઠોડે કહ્યું હતું કે, ‘ગુજરાતમાં દારૂની કિંમત અવાસ્તવિક રીતે ઊંચી છે. અન્ય રાજ્યોમાં 100 રૂપિયાની બોટલ ગુજરાતમાં 500 રૂપિયામાં વેચાય છે. દારૂબંધીથી 50,000 કરોડ રૂપિયા ભ્રષ્ટાચારમાં જાય છે. દારૂબંધી હટાવવાથી, રાજ્યને કર દ્વારા આવક થશે, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વિકાસ થઈ શકશે, ભ્રષ્ટાચાર ઘટશે.’
થોડાં પ્રશ્નો : [1] આ કેવો પક્ષ, જે લોકોને/ નાગરિકોને હજુ પ્રજા જ માને છે? [2] પ્રજા શબ્દ સાથે ‘ડેમોક્રેટિક’ શબ્દ વિરોધાભાસી નથી? [3] ‘પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ના બેનરમાં શિવાજી/ સરદાર/ આંબેડકર/ ગાંધીજી / બિરસા મુંડા/ રાણા પ્રતાપ છે. આમાં સરદાર/ આંબેડકર/ ગાંધીજી સમાજવાદના પ્રતીક છે. જ્યારે શિવાજી/ રાણા પ્રતાપ રાજાશાહીના પ્રતીક છે. બિરસા મુંડા સંઘર્ષનું પ્રતીક છે. આમાં પાર્ટીની સ્પષ્ટ વિચારધારા કઈ? [4] સત્તાપક્ષ પાસે અઢળક કાળું નાણું/ સરકારી તંત્ર/ સહકારી તંત્ર/ ચૂંટણી પંચ/ પોલીસ/ ગુંડાઓ/ નકલી ધર્મવાદ/ નકલી રાષ્ટ્રવાદ/ ધર્મગુરુઓ/ કથાકારો/ ગોદી મીડિયા/ કોર્પોરેટ ગૃહો છે ! આ સ્થિતિમાં વધુ પક્ષથી સત્તાપક્ષને ફાયદો ન થાય? ! શું મતના વિભાજન માટે જ અમુક પક્ષનો જન્મ થતો હશે? [5] જે પાર્ટીના અધ્યક્ષ કહેતા હોય કે ‘દારૂબંધી હટાવવાથી, રાજ્યને કર દ્વારા આવક થશે’ તે પોતાના મંચ પર ગાંધીજી/ આંબેડકર/ સરદારનો ફોટો રાખી શકે? [6] કોઈ રાજકીય પક્ષ બંધારણના મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ કેમ નહીં હોય? બંધારણના આમુખમાં નાગરિકોને આપેલ હક્કોની જાળવણી માટે અવાજ કેમ ઊઠાવતા નથી?rs