મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે ગિફ્ટ સિટી ખાતે ‘AI Centre of Excellence’નું ઉદઘાટન તેમજ ‘AI Innovation Challenge’નો શુભારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પરિવર્તનકારી યોગદાન માટે રાજ્યના વિવિધ SMEs, ડીપ-ટેક સ્ટાર્ટ-અપ્સ તથા PSUs ને ઉદ્યોગોને એવોર્ડ આપીને સન્માનિત કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે સંબોધનમાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ટેક્નોલોજી આધારિત વિકાસનું હબ બનવા તરફ હરણફાળ ભરી રહ્યું છે. તેમણે ગિફ્ટ સિટી ખાતે આજે શરૂ કરવામાં આવેલ સેન્ટરને વિવિધ ક્ષેત્રે AI આધારિત સોલ્યુશન્સ ડેવલપ કરવામાં મહત્ત્વપૂર્ણ ગણાવ્યું હતું. દેશની AI ક્રાંતિમાં ગુજરાતને અગ્રેસર બનાવવાના સંકલ્પ સાથે રચાયેલ ‘ગુજરાત AI ટાસ્ક-ફોર્સ’ તેમજ AI ટેક્નોલોજી દ્વારા નાગરિકોની સુખાકારીમાં વધારો કરતાં રાજ્ય સરકારના આયોજનની વિસ્તૃત રૂપરેખા આપવાની સાથોસાથ મુખ્યમંત્રીએ ગુજરાતમાં સ્માર્ટ ટેકનોલોજી આધારિત વિકાસના પ્રાધાન્યથી ‘વિકસિત ગુજરાત’ના નિર્માણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે આયોજિત અત્યાધુનિક AI અને એડવાન્સ્ડ ટેક સોલ્યુશન્સના એક્ઝિબિશનમાં ડીપ-ટેક સ્ટાર્ટઅપ્સ અને AI ટેકનોલોજીના ક્ષેત્રની વિવિધ કંપનીઓના સ્ટોલ્સની મુલાકાત લઈ ભવિષ્યલક્ષી ઇનોવેશન્સ અને ટેકનોલોજી બાબતે રસપૂર્વક જાણકારી મેળવી હતી.