મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સુરત મહાનગરપાલિકા તથા ડ્રીમ સિટીના કુલ ₹350 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોના રાજ્યના મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે સુરત મહાનગરપાલિકા સંચાલિત 18 સુમન શાળાઓમાં વિદ્યાર્થીઓને AI, રોબોટિક્સ, કોડિંગ તથા ડ્રોનનું જ્ઞાન આપવા નિર્માણ પામેલ રોબોટિક્સ લેબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આ પ્રસંગે જર્મની અને ભારત સરકાર, જર્મની સરકાર, ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકા વચ્ચે જાહેર પરિવહન સંદર્ભે એક વિશેષ MoU કરવામાં આવ્યા હતા, જે હેઠળ વિશ્વમાં સૌપ્રથમવાર જર્મની અને ભારત સરકાર સંયુક્ત રીતે સુરત મહાનગરપાલિકાના બસ ડેપો પર સ્થાપિત સોલાર પેનલથી ઉત્પન્ન થનાર વીજળીનો યુઝ્ડ બેટરીઓમાં સંગ્રહ કરશે. આ ઉપરાંત, ડ્રાઇવર, કંડક્ટર અને લોજિસ્ટિક્સમાં મહિલાઓને તાલીમ આપવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીએ સુરતને સ્વચ્છતામાં અગ્રિમ બનાવવા માટે સ્વચ્છતા કર્મીઓને અભિનંદન પાઠવવાની સાથે વિવિધ નવતર પહેલોમાં સુરતની સિદ્ધિઓને બિરદાવતા જણાવ્યું હતું કે, જનભાગીદારીની સાથોસાથ જળ-પર્યાવરણ-ઊર્જા સંરક્ષણ દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાર્થક કરીએ. તેમણે આજે લોકાર્પિત થયેલ વિકાસકાર્યો અને ભવિષ્યલક્ષી આયોજનને સુરત ઇકોનોમિક રિજયનમાં સામાજિક, આર્થિક, ઔદ્યોગિક ક્ષેત્રે મોટું પરિવર્તન લાવનારા ગણાવ્યા હતા તેમજ વિકસિત ગુજરાતના નિર્માણમાં સુરત અગ્રિમ યોગદાન આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.