(જી.એન.એસ) તા. 22
સુરત,
સુરતમાંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે જેમાં વાવમાં એક 36 વર્ષીય પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી પરીક્ષા દરમિયાન એક ઉમેદવારનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થતાં ચકચાર મચી ગઈ છે. પોલીસ, તબીબોની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.
વાલિયા એસઆરપી ફોર્સ ગ્રુપ-10માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે કાર્યરત 36 વર્ષીય સંજય કુમાર રસિકભાઈ ગામિતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી પરીક્ષા આપી હતી. સવારે 4:45 વાગ્યે પહેલી બેચમાં 5 કિમી દોડ દરમિયાન, 12મા રાઉન્ડમાં દોડતી વખતે તે અચાનક બેભાન થઈને પડી ગયો, ત્યાં ફરજ પરના ડો. ચિરાગ કટારિયાએ તાત્કાલિક સીપીઆર, ઓક્સિજન અને દવા આપીને પ્રાથમિક સારવાર આપી હતી, પરંતુ જ્યારે તેમની હાલત ગંભીર બની ત્યારે તેમને સવારે 5:05 વાગ્યે 108 એમ્બ્યુલન્સ દ્વારા ખોલેવાડની દીનબંધુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સવારે 5:30 વાગ્યે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચિખલવાવના રહેવાસી મૃતક સંજય કુમારના પરિવારના સભ્યોને આ ઘટનાની જાણ કરવામાં આવી છે. મૃતદેહને વધુ પ્રક્રિયા માટે CHC હોસ્પિટલ કામરેજ મોકલવામાં આવ્યો છે. આ દુ:ખદ ઘટનાથી પોલીસ વિભાગમાં શોકનું મોજું ફરી વળ્યું છે.