મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરી જનસુખાકારી અને નાગરિકોનું ઇઝ ઓફ લિવિંગ વધે તે માટે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓમાં શહેરી વિકાસના કામો માટે એક જ દિવસમાં ₹605.48 કરોડ મંજૂર કર્યા છે.
આ અંતર્ગત, લીંબડી, માંડવી-કચ્છ, મુંદ્રા-બારાઈ, વિરમગામ, બારડોલી, બીલીમોરા, સોનગઢ, વલસાડ, સાણંદ, હળવદ, ગણદેવી, ધરમપુર, દાહોદ, ખંભાત, દ્વારકા, પાદરા, બાબરા, માણસા, ધ્રાંગધ્રા નગરપાલિકાઓ, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકા તેમજ ભાવનગર અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળમાં વિવિધ વિકાસ કામો હાથ ધરવામાં આવશે.
આ વિકાસકામો હેઠળ નગરોમાં પર્યાવરણ શુદ્ધિ અને સીટી બ્યુટીફિકેશનના હેતુથી 25 નગરપાલિકાઓમાં નવીન બગીચા-ગાર્ડન બનાવવા ₹40 કરોડ ફાળવાશે.
13 નગરોમાં લાઇબ્રેરી-ગ્રંથાલય નિર્માણ માટે ₹39 કરોડ ફાળવવા મંજૂરી આપવામાં આવી છે.
22 નગરપાલિકાઓના હયાત ગ્રંથાલયોને અદ્યતન અને સ્માર્ટ ગ્રંથાલય બનાવવા ₹33 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
આ ઉપરાંત, સ્ટોર્મ વોટર ડ્રેનેજ – આઉટ ગ્રોથ વિસ્તાર વિકાસ – શહેરી સડક યોજના – ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના અને રેલવે ઓવરબ્રિજ માટે ₹493.48 કરોડ ફાળવવામાં આવશે.
આ સમગ્રતયા વિકાસકામોથી નગરપાલિકાઓ, મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળોના વિસ્તારોની શહેરી સુખાકારીમાં વધારો થશે અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળશે.