માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અંબોડ ગામે સાબરમતી નદી પર બેરેજના કામના ખાતમુહૂર્ત સહિત ગુજરાત સરકારના જળ સંપત્તિ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તથા શિક્ષણ વિભાગના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ₹241.89 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રીએ પોતાના વક્તવ્યમાં માણસા તાલુકાને જનસુખાકારીમાં વધારો કરતા વિકાસકાર્યોની ભેટ આપવા બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતા આ કાર્યોથી થનાર પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે રાજ્યના ગામે ગામ પાણી પહોંચાડતી સૌની યોજના, સુજલામ સુફલામ જેવી જળસંચયની યોજનાઓથી આવેલ આમૂલ પરિવર્તનની રૂપરેખા પણ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન અને પ્રેરણાથી ગુજરાતના વિકાસનો પતંગ વિશ્વના આકાશમાં નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. તેમણે ગુજરાતના વિકાસ માટેની પંચામૃત શક્તિ તેમજ જળસંચયના અનેકવિધ અભિયાનો, યોજનાઓ તથા પહેલથી નાગરિકોને મળેલ વોટર સિક્યોરિટી અંગે સૌને માહિતગાર કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ આ સાથે જ વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણમાં અગ્રેસર રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.