(જી.એન.એસ) તા.૪
અમદાવાદ,
આ કાર્નિવલનું આયોજન બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અમદાવાદ, સાયન્સ સિટી- અમદાવાદ તેમજ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સંયુક્ત ઉપક્રમે કરાયુંઅમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ‘સ્ટાન્ડર્ડ કાર્નિવલ’ (ભારતીય માનક મેળા) યોજવામાં આવ્યો. આ કાર્નિવલ વિજ્ઞાન શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અમદાવાદ, સાયન્સ સિટી, અમદાવાદ અને ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્નિવલના ઉદ્ઘાટન સમારંભમાં સાયન્સ અને ટેકનોલોજી વિભાગનાં અગ્ર સચિવ સુશ્રી મોના ખંધારે જણાવ્યું હતું કે, બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સના ૭૮મા સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં સાયન્સ સિટી ખાતે ‘સ્ટાન્ડર્ડ કાર્નિવલ’નું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને અત્યારથી સ્ટાન્ડર્ડ્સનું શું મહત્ત્વ છે? સ્ટાન્ડર્ડ્સ કેમ જરૂરી છે? તેમજ વિજ્ઞાન, ટેક્નોલોજી અને રોજિંદા જીવનમાં સ્ટાન્ડર્ડ્સ કેટલા ઉપયોગી છે, તેની સમજ બાળકોમાં અત્યારથી કેળવાય એ માટે આ ‘સ્ટાન્ડર્ડ કાર્નિવલ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ થકી બાળકોમાં ખૂબ સારી સમજ કેળવાશે, એવું તેમણે ઉમેર્યું હતું. આ આયોજન બદલ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સને અભિનંદન પાઠવતાં સુશ્રી મોના ખંધારે કહ્યું કે, બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એ અત્યાર સુધીમાં ૨૫૦૦૦ જેટલા સ્ટાન્ડર્ડ્સ બનાવ્યા છે. આ ઉપરાંત હાલમાં પણ જ્યા જરૂર છે ત્યાં ઝડપથી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ બનાવવાની પ્રકિયા ચાલી રહી છે. સાયન્સ સિટી ખાતે આયોજિત ‘સ્ટાન્ડર્ડ કાર્નિવલ’માં સ્વાગત પ્રવચન આપતા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અમદાવાદના ડાયરેક્ટર શ્રી સુમિત સેંગરે જણાવ્યું હતું કે, બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સનો ૬ જાન્યુઆરીએ ૭૮મો સ્થાપના દિવસ છે, એના ઉપલક્ષ્યમાં ‘સ્ટાન્ડર્ડ કાર્નિવલ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને માનક અને ગુણવત્તા પ્રત્યે જાગૃત કરવાનો છે, કેમ કે આ વિદ્યાર્થીઓ જ્યારે દેશનું ભવિષ્ય સંભાળશે ત્યારે તેઓ અગાઉથી માનક અને ગુણવત્તાના તમામ પાસાંઓથી અવગત હશે. આ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો ૨૦૪૭માં વિકસિત ભારતનો જે સંકલ્પ છે, એમાં આ પહેલ ઉપયોગી સાબિત થશે, એમ તેમણે ઉમેર્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, બીઆઇએસએ શૈક્ષણિક સંસ્થાઓમાં ‘સ્ટાન્ડર્ડ ક્લબ’ની રચના કર્યા બાદ શિક્ષકો અને વિદ્યાર્થીઓને સભ્યો તરીકે સામેલ કરીને તેમજ યુવાનોને ગુણવત્તા માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને ગુણવત્તા વિશે જાગૃતિ લાવવા માટે એક પ્રશંસનીય પહેલ હાથ ધરી છે. આ પહેલ અંતર્ગત સાયન્સ સિટી ખાતે બીઆઇએસ સ્ટાન્ડર્ડ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્નિવલમાં ઇન્ટરેક્ટિવ એક્ઝિબિશન, એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને અવરેનેસ સેશન પણ યોજાયા હતા, જેમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક અનુભવ મળ્યો હતો. સાયન્સ સિટીમાં આયોજિત આ કાર્નિવલમાં સમગ્ર ગુજરાતમાંથી ૨૪ સ્કૂલના ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. આ કાર્નિવલમાં વિદ્યાર્થીઓને ઉદ્યોગની વાસ્તવિક દુનિયાની પ્રક્રિયાઓ અને ગુણવત્તા વ્યવસ્થાપનને સમજવાની તક પ્રાપ્ત થઇ હતી, જે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી સાબિત થશે.આ કાર્યક્રમમાં ગુજરાત કાઉન્સિલ સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી સુધીર કે. પટેલ, ગુજકોસ્ટના એડવાઇઝર શ્રી ડૉ. નરોત્તમ શાહુ, કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર શ્રીમતી નંદિતા મહેતા તેમજ શાળાના શિક્ષકો, પ્રિન્સિપાલ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.