બિહારમાં લાલુ પરિવાર વિરુદ્ધ EDના દરોડાને લઈને રાજકારણ ચરમસીમા પર છે. જ્યારે ભાજપના નેતાઓ લાલુ પરિવાર પર પ્રહારો કરી રહ્યા છે, ત્યારે બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમારે શનિવારે કહ્યું કે પૂર્વ કેન્દ્રીય રેલવે મંત્રી લાલુ પ્રસાદ અને તેમના સહયોગીઓના પરિસર પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના દરોડા તેમના રાજ્યમાં મહાગઠબંધનનો ભાગ હોવાનું પરિણામ છે. નીતીશ કુમારે કહ્યું કે, 2017થી લઈને જ્યાં સુધી અમે ભાજપ સાથે હતા તો પાંચ વર્ષ સુધી કોઈ દરોડા પડ્યા નથી. હવે ધનાધન શા માટે દરોડા પાડી રહ્યા છે? તેનું સીધું કારણ એ છે કે હું મહાગઠબંધનનો હિસ્સો છું, તેથી લાલુ પરિવાર સામે કાર્યવાહી થઈ રહી છે.
બિહારમાં મહાગઠબંધન મજબૂત છે, રહેશે
નીતીશ કુમારે સ્પષ્ટ કહ્યું કે આવા દરોડા અમને ડરાવી શકે નહીં અને અમારી સરકાર બિહારને યોગ્ય રીતે ચલાવતી રહેશે. ફરીથી મહાગઠબંધન બદલવા પર પ્રતિક્રિયા આપતા નીતીશ કુમારે તેને અફવા ગણાવીને ફગાવી દીધી અને કહ્યું કે બિહારમાં મહાગઠબંધન યોગ્ય રીતે ચાલી રહ્યું છે અને ચાલતું રહેશે. તેમણે કહ્યું – તેની ચિંતા કરશો નહીં અને અફવાઓ પર ધ્યાન આપશો નહીં.
નીતીશે કહ્યું, “… 2017માં એક વાર એવું બન્યું હતું. પછી અમે અલગ થઈ ગયા અને JDU અને RJD અલગ-અલગ થઈ ગયા… હવે પાંચ વર્ષ વીતી ગયા છે અને જ્યારે અમે ફરી એક સાથે આવ્યા છીએ, તો પછીથી રેડ પડી.” નીતીશે પત્રકારોને કહ્યું કે, “મારે શું કહેવું, જેમના પર દરોડા પાડવામાં આવી રહ્યા છે તેઓ પૂરતો જવાબ આપી રહ્યા છે.”
પત્રકારો સાથે વાત કરતા, નીતીશ કુમારે એ વાતને પણ નકારી કાઢી કે તેઓ આરજેડી સામેની સીબીઆઈ/ઈડીની કાર્યવાહી પર એ સમયે મૌન હતા કારણ કે તેઓ પોતાની છબી ખરડાવવા અંગે ચિંતિત હતા અને બિહાર શાસક ‘મહાગઠબંધન’થી અલગ થવાનું વિચારી રહ્યા હતા, જેમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સામેલ છે.
નીતીશ કુમારે કહ્યું કે “…CBI બે વાર તપાસ કર્યા પછી પુરાવા એકત્ર ન કરી શકી… પરંતુ 9 ઓગસ્ટ, 2022 પછી (બિહારના શાસક જેડી(યુ) એ ભાજપ છોડીને આરજેડી સાથે ગઠબંધન કર્યાનો ઉલ્લેખ કરીને) અચાનક તેમને દૈવી શક્તિ તરફથી પુરાવા મળવા લાગ્યા…”
EDએ રોકડ, સોનાના સિક્કા અને ડોલર જપ્ત કર્યા
શુક્રવારે, EDએ દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, મુંબઈ, રાંચી અને અન્ય કેટલાક સ્થળોએ લાલુ પ્રસાદ, તેમના પરિવારના સભ્યો અને નજીકના સહયોગીઓના 15 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. ED અધિકારીઓએ તેજસ્વી યાદવ અને તેની બહેનો રાગિણી યાદવ, હેમા યાદવ અને ચંદા યાદવના ઘરેથી 53 લાખ રૂપિયા રોકડા, 1.5 કિલો સોનાના દાગીના, 540 ગ્રામ સોનાના સિક્કા અને USD 1900 રિકવર કર્યા હતા.