પોરબંદર શહેરના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં એક સમયે ત્રણ પાળીમાં ઉદ્યોગો ધમધમતા હતા. તે પોરબંદર જી.આઇ.ડી.સી.ના અનેક ઉદ્યોગો મરણ પથારીએ છે. તો મહત્વની જીવાદોરી સમાન ઓરિયન્ટ એબ્રેસીવ્સને અલીગઢી તાળા લાગી ગયા હોવાથી નવા ઉદ્યોગો લાવવા જરૂરી બની ગયા છે. પોરબંદર જેવા નાના જિલ્લામાં રોજગારીનો મુદ્દો સૌથી મહત્વનો છે. હાલ યુવાનો રોજગારો મેળવવા અન્ય જિલ્લા તેમજ અન્ય રાજ્ય સુધી ધક્કા ખાઇ રહ્યાં છે. પોરબંદરમાં રોજગારીનો કોઇ વિકલ્પ ન હોવાથી લોકો મજબૂરીમાં અન્ય જિલ્લામાં પલાયન કરી રહ્યાં છે. એક તરફ મત્સ્યોદ્યોગમાં પણ મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ પોરબંદર નવા ઉદ્યોગો વિહોણું હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાઇ રહ્યાં છે.
પોરબંદર સહિત હાલ ગુજરાતભરમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. રાજકીય પક્ષો જનસંપર્ક કરી રહ્યાં છે અને લોકોને અનેક આશ્વાસનો અને વચનો આપી રહ્યાં છે. લોકો પણ હવે પોરબંદરમાં નવી રોજગારી ઉભી થાય તે માટે માંગણીઓ કરી રહ્યાં છે. પોરબંદરમાં હાલના જે ઉદ્યોગો છે તેની ઉપર નજર કરીએ તો વર્ષોથી બીરલા ફેકટરી તરીકે જાણીતી સૌરાષ્ટ્ર કેમિકલ્સ ફેકટરી અનેક લોકોને રોજગારી પુરી પાડે છે. તો બીજી તરફ મત્સ્યોદ્યોગ મંદીના મોજામા સપડાયો છે. તો બિલ્ડીંગ સ્ટોન અને લાઇમ સ્ટોન જેવી ખનીજ સંપત્તિ વિપુલ પ્રમાણમાં નિકળે છે પરંતુ ગેરકાયદેસર ખનના કારણે ખનીજ ઉદ્યોગને પણ મરણતોલ ફટકો પડ્યો છે. વર્ષો પહેલા જી.આઇ.ડી.સી.માં અનેક લદ્યુઉદ્યોગો ધમધમતા હતા અને એ પણ અનેક લોકોને રોજગારી પુરી પાડવામાં મદદરૂપ થતા હતા. સૌરાષ્ટ્રમાં પ્રથમ બેરીંગ ઉદ્યોગ પોરબંદરમાં સ્થપાયો હતો. મોટા દશ બેરીંગ યુનિટ હતા તેની સામે જોબવર્ક કરતા પ૦ નાના યુનિટ હતા. તેમાં ૬૦૦ જેટલા વ્યક્તિને રોજગારી મળતી હતી. વિદેશ પણ બેરીંગ એક્સપોર્ટ થતા હતા. પરંતુ કોમ્પિટીશનમાં ઉભા રહી શકતા ન હોવાના કારણે બેરીંગ ઉદ્યોગ બંધ થતા આ ઉદ્યોગમાંથી રોજગારી મેળવતા લોકો બેરોજગાર બન્યા હતા. પોરબંદરમાં એક જમાનામાં મહારાણા મીલ, એચ.એમ.પી. સિમેન્ટ ફેકટરી જેવા મોટા ઉદ્યોગો ધમધમતા હતા. જેને કારણે અનેક લોકોને રોજગારી મળી રહેતી હતી. પરંતુ હવે પોરબંદર જિલ્લામાં ગણ્યા ગાઠ્યા ઉદ્યોગો રહ્યાં છે. જુના ઉદ્યોગો બંધ થઇ ગયા છે. જેથી પોરબંદર જી.આઇ.ડી.સી. ઉદ્યોગો વિહોણી બનતી જઇ રહી છે. જેથી આ વિધાનસભાની ચૂંટણીમાં પોરબંદર જિલ્લાની બન્ને બેઠકોમાં જે પણ પક્ષના ઉમેદવાર વિજેતા બને તે પોરબંદરમાં નવી રોજગારી ઉભી કરવા માટે તથા નવા ઉદ્યોગોની સ્થાપના માટે અંગત રસ લઇ રોજગારી ઉભી કરે તેવી પણ માગ થઇ રહી છે.
