પાલીતાણાની સરકારી સ્કૂલનું ધર્મ- શાસ્ત્રો પ્રત્યે આસ્થા પ્રેરતું અને સનાતન સંસ્કૃતિની રક્ષા કરતું કદમ આજે ‘અસત્ય પર સત્ય’ , ‘અનીતિ પર નીતિ’, ‘આસુરી શક્તિ પર દેવી શક્તિ’ ના વિજયનું પ્રતિક પર્વ એવા દશેરાની ઉજવણી સમગ્ર દેશભરમાં ભારે ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે. તે સાથે પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાં દુર્ગાપૂજાની પણ જોર શોરથી ઉજવણી કરવામાં આવી રહી છે. તે સાથે શાળામાં સર્વ ધર્મ સમભાવ અને ભારત એક અને મહાન રાષ્ટ્ર છે તેની વિભાવના ચરિતાર્થ થઈ હતી. આ દશેરાના પાવન પર્વે તમામ જગ્યાઓ પર શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. પરંતુ તેનાથી આગળ વધીને ‘શસ્ત્રની જગ્યાએ શાસ્ત્રનું પૂજન’ પાલીતાણાની સરકારી એવી શાળા ઝવેરચંદ મેઘાણી સ્કૂલમાં કરવામાં આવ્યું હતું. માતૃશ્રી વસુમતીબેન શૈલેશકુમાર રાધનપુર વાળાના સહયોગથી શાળામાં ‘બાળ દુર્ગા પૂજન’ સાથે તમામ ધર્મગ્રંથોનું પૂજન પણ કરવામાં આવ્યું હતું. ગીતા, પુરાણ, ઉપનિષદ, અવેસ્તા જેવાં વિવિધ ધર્મના પુસ્તકોની આશરે પૂજા કરવામાં આવી હતી. જગતમાં આજે શસ્ત્રો ઘણાં થઈ ગયા છે. આ શસ્ત્રોને કારણે પૃથ્વી પર અશાંતિનો માહોલ ઉભો થયો છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ તેનું જીવંત ઉદાહરણ છે. જગતનાં તમામ ધર્મો અને તેના શાસ્ત્રો માનવ- માનવ વચ્ચે માનવતા અને સુલેહ, શાંતિ અને સામંજસ્ય શીખવે છે.ત્યારે આજે શસ્ત્રોની જગ્યાએ શાસ્ત્ર પૂજનનો અભિનવ પ્રયોગ ઝવેરચંદ મેઘાણી શાળા દ્વારા કરવામાં આવ્યો છે તે ખરેખર સરાહનીય પગલું છે.