સુરતના મહારાણા પ્રતાપ ચોક ગોડાદરાથી મગોબ પુણા પાટીયા સુધી કરણી સેના રેલી યોજીને સભા યોજશે
આગામી વિધાનસભાની તૈયારીમાં તમામ રાજકીય પક્ષો જોતરાઈ ગયા છે. ત્યારે રાજકિય લાભ લેવા માટે સમાજના આગેવાનોએ પણ મેદાનમાં ઉતરી પડ્યા છે. પોતાના સમાજને વધારેમાં વધારે રાજકીય પ્રભુત્વ મળે તે દિશામાં માંગણી થવાની શરૂ થઈ ગઈ છે.રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાઅધ્યક્ષ રાજ શેખાવતે મીડિયાને સંબોધન કરતા તેમણે કહ્યું કે, આગામી 17મી જુલાઈના રોજ ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી અને મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં અમારા સંગઠિત થયેલા સમાજ વતી અમે ટિકિટની માગ બળવતર કરીશું.સાથે જ જે રાજકીય પાર્ટી રાજપૂત સમાજના પ્રતિનિધિઓને ટિકિટ આપશે તેમને અમે સમર્થન આપીશું.
2022માં વિધાનસભાની ચૂંટણીમાં 25થી 30 ટકા ટીકિટની માગ કરવામાં આવી છે. રાજકીય પાર્ટી ટીકિટ નહીં આપે તો અમે અમારા ઉમેદવારને વિપક્ષમાં લડવાની તૈયારી બતાવી. અમારે અમારું રજવાડું પરત જોઈએ છે. અમે કોઇ પાર્ટીને મહત્ત્વ નથી આપતા.ભાજપ, કોંગ્રેસ , આપ કે NCP જે પાર્ટી અમને ટીકિટ આપશે તે પાર્ટીને અમે જીતાડીશું.
સુરતના મહારાણા પ્રતાપ ચોક ગોડાદરાથી મગોબ પુણા પાટીયા સુધી રેલી યોજીને સભા યોજવવામાં આવશે. જેમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંગ ગોગામેડી ઉપસ્થિત રહેશે. આ રેલી દ્વારા સરપંચથી લઈને સાંસદ સુધી તમામ પદો પર રાજપૂતોને પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી માગ કરવામાં આવશે. રાજ શેખાવતે કહ્યું કે, જે રીતે હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે. તેને લઈને અમે ફરી સુશાસન સ્થાપવા માટે લોકશાહી ધોરણે આગળ આવ્યાં છીએ.