(જી.એન.એસ) તા. 8
ગાંધીનગર,
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શન હેઠળ ગાયત્રી શક્તિપીઠ ગાંધીનગર ખાતે ગાયત્રી પરિવાર દ્વારા મહિલા દિન નિમિત્તે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગાયત્રી પરિવારની યુગ નિર્માણ યોજના અંતર્ગત મહિલા સશક્તીકરણ અંગે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.
મહિલાઓમાં સંવેદના જાગે, સમાજમાં વિવિધ સંસ્કારોનું સિંચન થાય તે હેતુસર ગાયત્રી શક્તિપીઠ ખાતે તા.2/3/2025 થી તા.8/3/2025 (મહિલા દિન) સુધી કાર્યકર્તા તાલીમ શિબિરનું આયોજન થયું હતું. તેમાં ગાંધીનગર શહેર, વિકસિત સોસાયટીઓ, પેથાપુર, વાવોલ, રાંધેજા, દહેગામ, કલોલમાંથી દરરોજ 60 થી 70 બહેનોએ ભાગ લીધો હતો.
આ દરમિયાન નારીશક્તિનું ઉત્થાન, નારીઓનું સમાજમાં વિશિષ્ટ સ્થાન, મહિલા જાગૃતિ જેવા વિવિધ વિષયોને આવરી લઈને એક સમાજ સુધારક અને કાર્યકર્તા કેવી રીતે બની શકાય તે અંગેના વ્યાખ્યાનો, પરિસંવાદ, ગોષ્ઠીઓ યોજવામાં આવી હતી.
સમાજના તમામ વર્ગોમાંથી આવતી મહિલાઓએ તેમાં ઉત્સાહભેર ભાગ લીધો અને કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો હતો. મહિલાઓમાં નેતૃત્વના ગુણો વિકસે તે માટે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પણ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.