પશુપાલન થકી જિલ્લામાં મહિલાઓ સારી આવક મેળવી શકે તે માટે અભિયાન રૂપે આ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ૧૦ દિવસ માટે પશુપાલક મહિલાઓને બકરી પાલનની તાલીમ આપવામા આવે છે. જેમાં વર્મી કમ્પોસ્ટિંગ ઉપરાંત બેકયાર્ડ કિચન ગાર્ડન કોન્સેપ્ટ પર પ્રાયોગિક નિદર્શન સાથે તાલીમાર્થીઓને શાકભાજીના બીજનું પણ વિતરણ કરવામાં આવે છે. જિલ્લામાં અત્યાર સુધીમાં દેવગઢ બારીયામાં ૨૧૦ અને લીમખેડામાં ૧૫૬૦ મહિલાઓને આ માટેની તાલીમ આપવામાં આવી છે.
જિલ્લામાં ગ્રામ્ય સ્તરે જ પશુઓને પ્રાથમિક સારવાર મળી રહે એ માટે મહિલાઓને પશુસખી તરીકે ની તાલીમ આપવામાં આવી રહી છે. દાહોદનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને પશુપાલન વિભાગ તેમજ આઇસીઆઇસીઆઇ ફાઉન્ડેશન દ્વારા આ રીતે ૧૯ પશુ સખીઓને તાલીમ આપવામાં આવી છે. તેમજ તેમને પશુઓની પ્રાથમિક સારવાર માટે કીટ પણ આપવામાં આવી છે. કામગીરી ધ્યાને લઇ પશુસખીઓને પ્રોત્સાહક માનદ વેતન પણ આપવામાં આવશે. ઉપરાંત બકરી આરોગ્ય શિબિરોનું વિવિધ ગામો ખાતે આયોજન કરીને ૨૯૪ લોકોએ લાભ લીધો હતો અને ૧૬૨૫ જેટલા પશુઓનું નિ:શુલ્ક નિદાન-સારવાર કરવામાં આવી હતી.
