યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને લઇને ગુજરાતના કેટલાય વિદ્યાર્થીઓ ફસાયા છે, જેમાં અરવલ્લી જિલ્લાના 5 વિદ્યાર્થીઓ યુક્રેનમાં છે, જેઓના પરિવારજનોનો સંપર્ક કરીને અધિકારીઓએ પરિવારજનો સાથે વાતચીત કરી અને તમામ વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ચર્ચા કરાઈ હતી. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના રિંચવાડના ધર્મેશકુમાર પટેલ, બાયડ તાલુકાના નવા પિપોદરાના ધ્રુમિત પટેલ, રામપુર કંપાના ચિંતન પટેલ જ્યારે ભિલોડા તાલુકાના બે વિદ્યાર્થીઓ જેમાં નાંદોજના ભાવેશ વણઝારા અને દેહગામડાના કુલદીપ પટેલનો સંપર્ક કરી શકાયો છે, જેઓ હાલ યુક્રેનમાં ફસાયા છે, આ તમામ વિદ્યાર્થીઓના પરિવારજનોની મુલાકાત કરવા માટે મોડાસા પ્રાંત અધિકારી અમિત પરમાર તેમજ બાયડ પ્રાંત અધિકારી ભાર્ગવ પટેલ પહોંચ્યા હતા. પરિવારજનો સાથે તેમના સંતાનોની વાતચીત થતાં અધિકારીઓએ ગુજરાત સરકાર મારફતે કેન્દ્ર સરકારને માહિતી મોકલી આપવામાં આવી છે, અને આવા વિદ્યાર્થીઓને ઓપરેશન ગંગા હેઠળ પરત લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.મહત્વનું છે કે, આ પહેલા વિદ્યાર્થીઓના વીડિયો સામે આવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની ગાથા વ્યક્ત કરી હતી, અને યુક્રેનમાં હાલત ખૂબ જ ગંભીર હોવાનું જણાવ્યું હતું, ત્યારબાદ વહીવટી તંત્ર સાબદૂ બન્યું અને પરિવારજનો સાથે મુલાકાત કરીને માહિતી એકત્રિત કરવામાં આવી છે. હવે વહીવટી તંત્ર દ્વારા તમામ પાંચેય વિદ્યાર્થીઓને માહિતી રાજ્ય સરકારને મોકલી આપવામાં આવી છે, અને ઓપરેશન ગંગા હેઠળ ફસાયેલા યુવકને પરત લાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

previous post