જામનગરમાં વિકાસગૃહ રોડ પર જગજીવન કોમ્પલેક્ષમાં આવેલ બે દુકાનમાં એકસાથે ત્રાટકેલા તસ્કરો રૂા.1.46 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. બન્ને દુકાનમાંથી ચબરાક તસ્કરો સીસીટીવીનુું ડીવીઆર ચોરી કરી ગયા હોવાનું પણ સામે આવ્યું છે. જામનગરમાં ચોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ વિકાસગૃહ રોડ પર જગજીવન કોમ્પલેક્ષમાં આવેલ જે.કે.ફૂડઝોન અને ન્યુ પટેલ સ્વિટ એન્ડ ફરસાણ માર્ટ નામની બન્ને દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. આ બનાવ અંગે પટેલ કોલોની શેરી નં.9માં રહેતાં મીનબહાદુર હીમબહાદુર ખતરીએ સિટી બી પોલીસ ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગત્ તા.13મીના રાત્રે 11 વાગ્યાથી ગઇકાલે સવારના 6:30 વાગ્યાના ગાળા દરમિયાન કોઇ તસ્કરોએ દુકાનના શટરનું તાળું તોડી અંદર પ્રવેશ કરી લાકડા-લોખંડના ટેબલમાં રાખેલ જુદા-જુદા દરની રૂપિયા એક લાખ વીશ હજારની રોકડ રકમ અને સીસીટીવીનું ડીવીઆર હાથવગું કરી ચોરી કરી ગયા હતાં. આ ઉપરાંત બાજુમાં આવેલ કેવલ વિનોદભાઇ કંસારાની ન્યુ પટેલ સ્વિટ એન્ડ ફરસાણ માર્ટ નામની દુકાનમાંથી નવ હજારની કિંમતનો એક મોબાઇલ ફોન, રૂપિયા ચાર હજારની કિંમતનું સીસીટીવી કેમેરાનું ડીવીઆર તેમજ ટેબલના કાઉન્ટરમાંથી રૂપિયા નવ હજારની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં. આ બનાવ અંગે મીનબહાદુર ખતરીએ સિટી બી ડિવિઝન પોલીસ દફતરમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પીએસઆઇ એસ.એમ.રાદડિયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.