હેડ ક્લાર્કની ભરતીના પેપર લીક મામલે સરકાર સફાળી જાગી છે અને પેપર લીક કરનારા 10 આરોપીઓ સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ કરીને પેપર લીક થવાનું કબુલ્યુ હતુ. પેપર લીકનો ખુલાસો કરનારા આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહ જાડેજાએ ગૌણ સેવા પસંદગી મંડળના અસિત વોરાને ચેરમેન પદેથી હટાવવા કહ્યુ છે. યુવરાજ સિંહે સરકારને તપાસ પૂર્ણ થાય ત્યા સુધી અસિત વોરાને પદ પરથી હટાવવા સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યુ છે.
યુવરાજ સિંહ જાડેજાએ ચેતવણી આપતા કહ્યુ કે, સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યુ છે કે અસિત વોરાને પદ પરથી તપાસ પૂર્ણ થયા ત્યા સુધી દૂર કરો નહી તો રસ્તા પર ફરી આંદોલન થશે. વધુમાં યુવરાજ સિંહે કહ્યુ કે અમે નથી ઇચ્છતા કે પરીક્ષા રદ થાય, જ્યાં સુધી આ મુદ્દે તપાસ ચાલુ છે ત્યા સુધી અસિત વોરાને તેમના પદથી દૂર રાખવામાં આવે.
પ્રાંતિજ પોલીસે અત્યાર સુધી 10માંથી 6 લોકોની ધરપકડ કરી છે. જેમાં મહેશ પટેલ, (ન્યૂ રાણીપ), કુલદીપ પટેલ (કાણીયોલ, હિંમતનગર), ચિંતન પટેલ (પ્રાંતિજ), ધ્રુવ પટેલ, દર્શન વ્યાસ, સુરેશ પટેલ (હિંમતનગર)ની ધરપકડ કરી છે. યુવરાજસિંહ જાડેજાએ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાને મળીને કેટલાક પૂરાવાઓ આપ્યા હતા, સાથે જ તેમણે ગૌણ સેવા પસંદગી મંડળને આ મામલે ફરિયાદી બનવા અરજી કરી હતી.