ખેડા જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર સક્રિય થઈ હોય તેમ દરરોજના 63 કેસની સરેરાશ સાથે 10 દિવસમાં 637 પોઝિટિવ કેસ તંત્રના ચોપડે નોંઘાયા છે . આ કેસોમાં સૌથી વધુ કેસ નડિયાદ તાલુકામાં 516 નોંધાયા છે . જ્યારે અન્ય 9 તાલુકાઓમાં મળીને ફક્ત 124 કેસ થવા જાય છે . તંત્ર દ્વારા કોરોનાને કાબૂમાં લેવા અથાગ પ્રયાસો થઈ રહ્યા છે , પરંતુ ડિસેમ્બરના અંત ભાગમાં થી શરૂ થયેલ પોઝિટિવ દર્દીઓનો આંક ઘટવાનું નામ લઈ રહ્યો નથી . જોકે સારી બાબત એ છેકે જેટલા પોઝિટિવ દર્દી આવી રહ્યા છે , તેમાંથી 95 ટકા દર્દીઓ હોમ આઈસોલેશનમાં જ સારવાર લઈ સાજા થઈ રહ્યા છે . જિલ્લામાં પ્રથમ 10 દિવસમાં આવેલા કોરોના પોઝિટિવ કેસની વાત કરીયે તો નડિયાદ શહેરમાં 350 અને ગ્રામ્યમાં 166 કેસ નોંધાયા છે . જેના કારણે નિડયાદ તાલુકો કોરોના હોટસ્પોટ બન્યો છે . આજ કારણથી રાજ્ય સરકારે શહેરમાં રાત્રી કરફ્યુ પણ લગાવી દીધો છે . નડિયાદ બાદ સમગ્ર જિલ્લામાં સૌથી વધુ કેસ ઠાસરામાં 28 જ્યારે સૌથી ઓછા કેસ કપડવંજ , કઠલાલ , મહુધા અને વસોમાં ફક્ત 4-4 કેસ નોંધાયા છે . આમ નડિયાદ તાલુકાના કેસ સિવાય અન્ય 9 તાલુકામાં 124 કેસ નોંધાયા છે . 10 જાન્યુઆરી સુધી પોઝિટિવ 637 દર્દીઓ પૈકી 316 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે , જે પૈકી 304 દર્દીઓ તો હોમ આઈસોલેશનમાં જ સારવાર લઈ રહ્યા છે . જ્યારે 12 દર્દીઓ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે . આ સિવાય ખાનગી હોસ્પિટલ ના કોરોના બેડ સદંતર ખાલી છે . આમ એક તરફ કોરોના ઉછાળો મારી રહ્યો છે , જ્યારે બીજી તરફ દર્દીઓ ઘરે જ સારવાર લઈ સાજા થઈ રહ્યા છે . આ 10 દિવસમાં 637 કેસ પૈકી 368 દર્દીઓ ને સારૂ થઈ જતા ડિસ્ચાર્જ આપી દેવાયો હોય તેની ગંભીરતા દેખાઈ રહી નથી .