દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં રહેતા અને વાણવટીના વ્યવસાય તરીકે સંકળાયેલા જાણીતા મુસ્લિમ પરિવારનું આશરે રૂપિયા છ કરોડ જેટલી કિંમતનું વહાણ ઈરાન નજીકના દરિયામાં ખરાબ હવામાનના કારણે જળમગ્ન થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ખંભાળિયામાં રહેતા મુસ્લિમ અગ્રણી અને વહાણવટી પરિવાર સાથે સંકળાયેલા કાસમભાઈ અબુભાઈ ભોકલના પરિવારજનોના નામનું ફેઝે તાજુદ્દીન બાબા- 2 નામનું આશરે 1200 ટનની કેપેસીટી ધરાવતું વહાણ ગત તારીખ 25 ડિસેમ્બરના રોજ મુન્દ્રા બંદરથી ખાંડ ભરીને ઈરાન તરફ નીકળ્યું હતું.આશરે રૂપિયા છ કરોડ જેટલી કિંમતનું આ વહાણ મંગળવારે સવારના સમયે ઈરાન પહોંચે તે પહેલાં આ દરિયામાં વાતાવરણમાં પલટો આવતા ખરાબ વાતાવરણ સામે ટકી શક્યું ન હતું અને થોડી જ વારમાં આખું વહાણ પાણીમાં સમાઇ ગયું હતું. આ વહાણમાં 10 જેટલા ખલાસીઓ સવાર હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ વહાણ અકસ્માતમાં ખલાસીઓનો આબાદ બચાવ થયો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આમ, ખંભાળિયા પંથકનું અને આશરે રૂ. છ કરોડ જેટલી કિંમત ધરાવતું વહાણે ઈરાન નજીક દરિયામાં જળસમાધિ લેતા વહાણવટી પરિવારોમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.