મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની જાહેરાત: આધુનિક વ્યવસ્થાથી માપણી ફિલ્ડમાં જઈ માપનારૂ ગુજરાત પ્રથમ રાજય. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં રાજ્યમાં જમીન રીસર્વેની વાંધા અરજીઓ માટેની મુદ્દત એક વર્ષ વધારીને એટલે કે ડિસેમ્બર 2022 સુધી લંબાવવાનો મહત્વનો નિર્ણય કરાયો છે તેમ મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતુ. રાજ્યના એક પણ ખેડૂતને જમીન રીસર્વેમાં અન્યાય થશે નહીં, તમામને સંતોષ થાય ત્યાં સુધી કામગીરી ચાલુ રહેશે તેમ જણાવતા મહેસૂલ મંત્રીએ કહ્યું હતુ કે, નેશનલ લેન્ડ રેકોર્ડ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ-NLRMP હેઠળ સમગ્ર દેશમાં રાજ્યની ખેતીની જમીનની ફિલ્ડમાં જઈ માપણી કરી DGPS-ETS જેવી આધુનિક પદ્ધતિ-સાધનોનો ઉપયોગ કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે. ગુજરાતમાં રીસર્વેના પ્રમોલગેશન બાદ પણ ખેડૂત ખાતેદારને વિનામૂલ્યે વાંધા નિકાલની સાદી અરજી કરવાની તક વર્ષ 2016થી આપવામાં આવી છે તેની મુદ્દત હાલમાં પણ ચાલુ છે જે સતત ચાલતી પ્રક્રિયા છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ.