ઈઝરાયલના કડક છૂટાછેડાના કાયદાને કારણે ઓસ્ટ્રેલિયાનો એક નાગરિક આગામી 8,000 વર્ષ સુધી ત્યાં જેલમાં રહેશે.
હાલના સમયમાં ડિવોર્સ (Divorce) એક સામાન્ય વાત બનતી જાય છે. જો બે લોકોને સાથે ન ફાવે તો તેવો રાજી ખુશી છૂટા થાય છે. પરંતુ દરેક વખતે આ આટલું સરળ નથી હોતું ઘણી વખત દંપત્તિમાંથી કોઇ એકને આની ભારે કિંમત ચુકવવી પડે છે. હાલમાં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેના વિશે સાંભળીને દુનિયાના દરેક વ્યક્તિ વિચારમાં પડી ગયા છે.
ઓસ્ટ્રેલિયાના (Australia) એક વ્યક્તિને ડિવોર્સ લેવા ખૂબ મોંઘા પડી ગયા છે અને આ કેસની ચર્ચા હાલ સમગ્ર વિશ્વમાં થઇ રહી છે. ખરેખર વાત એમ છે કે, ઓસ્ટ્રેલિયન નાગરિક નોમ હુપર્ટને (Noam Huppert) ઈઝરાયલ છોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કારણ કે તેની પત્નીએ તેની સામે છૂટાછેડાનો કેસ દાખલ કર્યો છે. પ્રતિબંધની અવધિ અને ઇઝરાયેલની અદાલતે નિર્ધારિત કરેલ ભરણપોષણની રકમ અંગે હાલમાં હંગામો ચાલી રહ્યો છે.
ઈઝરાયેલની કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે હુપર્ટ 31 ડિસેમ્બર 9999 સુધી દેશ છોડી શકે નહીં. એટલે કે એક રીતે તેઓને આગામી 8,000 વર્ષ સુધી ‘કેદ’માં રહેવું પડશે. કોર્ટે એમ પણ કહ્યું છે કે જો હુપર્ટ આ સજામાંથી બચવા માંગે છે, તો તેણે 3 મિલિયન ડોલર (લગભગ 47 કરોડ રૂપિયા) એલિમોની અને બાળકોના ઉછેર માટે ચૂકવવા પડશે.
કોર્ટે કહ્યું છે કે જો ઓસ્ટ્રેલિયન નાગરિક 3 મિલિયન ડોલર ચૂકવે છે તો તેને સજામાંથી મુક્ત કરી શકાય છે, નહીં તો તેણે ઇઝરાયલમાં જ રહેવું પડશે. આ મામલો બ્રિટિશ જર્નાલિસ્ટ મરિયાને અઝીઝીએ ઉઠાવ્યો છે. તે કહે છે કે આ પ્રકારની સમસ્યા ઘણા ઓસ્ટ્રેલિયન નાગરિકોને થઈ શકે છે, તેથી તેના વિશે કંઈક કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે જો કે દૂતાવાસ તરફથી આ સંબંધમાં કોઈ માહિતી મળી નથી.
ઓસ્ટ્રેલિયાનો રહેવાસી આ વ્યક્તિ 2012માં પોતાના બે બાળકો સાથે ઈઝરાયલમાં રહેવા આવ્યો હતો. ત્યાર પછી તેની પત્નીએ તેની સામે ઈઝરાયલની કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો. કોર્ટે આપેલો ચુકાદો સાંભળીને વ્યક્તિના હોશ ઉડી જાય છે. તે ફસાયેલો અનુભવે છે. સાથે જ માનવાધિકાર કાર્યકર્તાઓએ પણ આ સજા પર સવાલ ઉઠાવ્યા છે. કોર્ટના નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે નોમ હુપર્ટ રજાઓ અને કામ માટે પણ બહાર નહીં જઈ શકે.