જે શબરી પ્રતિપળ રામનું સ્મરણ કરતી હતી એ જ શબરી સ્વયં રામને જોઇને ભાનભુલી ગઇ છે આનો અર્થ એ થયો કે ગુરુના વચનો ઉપર જો ભરોસો રાખવામાં આવે તો ઇશ્વર પણ ભુલાઇ જાય છે.. બીજો અર્થ એવો પણ કરી શકાય કે શુદ્ધ પ્રેમમાં એટલી તાકાત હોય છે કે બ્રહ્મ સ્વયં સામે આવીને ઊભા રહે તો પણ પ્રેમ ભાન ભુલાવે છે.
લેખકઃ શ્રી રામેશ્વરબાપુ હરિયાણી, સુપ્રસિદ્ધ કથાકાર
” પ્રેમ પ્રેમ સબ કોઇ કહે, પ્રેમના ચિન્હૈ કોઇ જા મારગ હરિ જી મિલૈ, પ્રેમ કહાસે સોઇ “
અરણ્યકાન્ડમાં પ્રસંગ આવે છે કે ભગવાન રામ (SHREE RAAM) મતંગઋષિના આશ્રમમાં પ્રવેશ કરે છે એવા સમયે મતંગઋષિની શિષ્યા શબરી ભગવાન રામને જોઇને બધુ ભૂલી ગઇ છે. જ્યારે રામને જોયા રામસ્વયં ભુલાઇ ગયા છે. જે શબરી પ્રતિપળ રામનું સ્મરણ કરતી હતી એ જ શબરી સ્વયં રામને જોઇને ભાનભુલી ગઇ છે આનો અર્થ એ થયો કે ગુરુના વચનો ઉપર જો ભરોસો રાખવામાં આવે તો ઇશ્વર પણ ભુલાઇ જાય છે. બીજો અર્થ એવો પણ કરી શકાય કે શુદ્ધ પ્રેમમાં એટલી તાકાત હોય છે કે બ્રહ્મ સ્વયં સામે આવીને ઊભા રહે તો પણ પ્રેમ ભાન ભુલાવે છે.
શબરી મનોમન ગુરુને પ્રણામ કરીને પ્રેમમાં એટલી બધી લીન બની કે ભગવાન રામની સામે બોલી શકતી જ નથી. પણ મનમાં એક ઇચ્છા પ્રગટી છે. કારણ કે કોઇ ઋષિનો હાથ શબરીના મસ્તક પર બાલ્ય અવસ્થામાં પડ્યો છે મતંગઋષિ જેવા સંત પુરુષનો સત્સંગ પ્રાપ્ત થયો છે એટલે ભક્તિ સાથે સંસ્કાર અને વિવેકનો પ્રવાહ વહે છે. શબરીના મનમાં વિચાર આવ્યો કે ભગવાન રામ મારા આંગણે આવ્યા છે ત્યારે લાવો એમના ચરણ પ્રક્ષાલન કરી લઉં. શબરીને રામચરણ ધોવાની ઇચ્છા થઇ છે. હવે આ વિષયમાં ગર્ભિત રીતે ચિંતન કરવામાં આવે તો ખ્યાલ આવે કે શબરીની જાતિ ભીલ છે.
શબરીના પરિવારમાં તો આવા કોઇ સંસ્કાર આપવામાં આવ્યા જ નથી તો શબરીને આવો વિચાર શા માટે ?
આનો અર્થ એ થાય કે જીવન મળ્યા પછી જીવનમાં સાધુ-સંતોનો સંગ-સત્સંગ મળે તો સંસ્કાર સ્વયં પ્રગટે છે. સાધુનો સંગ આપણા જીવનમાં વિવેક સાથે વિચારોનું ઉધ્વીકરણ કરે છે. સાધુનો સંગ પામર માણસને નવું જીવન અર્પણ કરે છે. શબરીને મતંગઋષિનો સંગ થયો ત્યારે જ નવું જીવન મળ્યું અને એ જીવનના અંતમાં સ્વયં રામના દર્શન શબરીને થયા છે.
ભગવાન રામની સામે શબરીએ બે હાથ લાંબા કર્યા છે અને રામજીએ કહ્યું કે તમારા ચરણ મારા હાથમાં પધરાવો મારે તમારા ચરણ ધોવા છે. રામે પોતાના ચરણ શબરીના હાથમાં પધરાવ્યા છે પણ શબરી પાસે રામના ચરણ ધોવા માટે પાણી નથી. જ્યાં રામે પોતાના ચરણ શબરીના હાથમાં પધરાવ્યા ત્યાં શબરીને ગુરુદેવ યાદ આવ્યા છે. શબરીની આંખમાં અશ્રુ વહેવા લાગ્યા છે. ટૂંકમાં ગંગા જમના આંખમાંથી વહેવા લાગી છે. અશ્રુથી રામના ચરણ શબરીએ ધોયા છે. ચરણામૃત લીધું છે. શબરી ધન્ય બની છે. સાધુનો સંગ વ્યક્તિને ધન્ય બનાવે છે.
કળિયુગમાં માનસિક રીતે થાકી ગયો હોય ત્યારે ભજનાનંદી સાધુનો સંગ કરો ધન્યતાનો અનુભવ થશે. શબરીએ ભગવાન રામને કુટિયાની બહાર આસન પર બેસાડયા છે અને પછી ફળ ફૂલ અર્પણ કર્યા છે. આપણાં સમાજમાં એક એવી લોકકથા મળે છે કે શબરીએ રામને એંઠા બોર ખવડાવ્યા છે. રામચરિત માનસમાં તુલસીદાસજીએ એવી કોઇ કથા લખી જ નથી કે શબરીએ ભગવાન રામને એંઠા બોર અર્પણ કર્યા છે પરંતુ એવી જ વાત લખી છે કે શબરીએ ફળ અર્પણ કર્યા છે.
કંદમુલ ફલ સુરસ અતિ દિયે ઉ રામ કહં આનિ |
પ્રેમસહિત પ્રભુ ખાત હૈ બારબાર બખાની ||
શબરીએ રામજીને ફળ આપ્યા એ ફળ વખાણ કરીને પ્રભુ ખાવા લાગ્યા છે. હવે એંઠા બોરની જે કથા છે એને આપણે ખોટી માનવાની પણ જરૂર નથી. કારણ કે આપણા સંતોનો એક ભાવ એવો પણ રહ્યો છે કે શબરી રામને જોઇને એટલી ભાવુક અને પ્રેમમય બની કે જે ફળ આપ્યા અથવા બોર આપ્યા એ બધા ચાખી ચાખીને આપ્યા હતા અને પ્રેમમાં ક્યા વ્યક્તિને ખબર રહે છે કે હું શું કરું છું. પ્રેમની દશા કંઇક અલગ જ હોય છે. પછી એ રામાયણમાં કેવલ રામનો પ્રેમ હોય. શબરી રામનો પ્રેમ હોય કે ભાગવતના ગોપીકૃષ્ણનો પ્રેમ હોય, પ્રેમમાં કોઇ અવસ્થા હોતી નથી.
એટલા માટે કબીરે લખવું પડ્યું હશે. પ્રેમ પ્રેમ સબ કોઇ કહે, પ્રેમના ચિન્હે કોઇ જા મારગ હરિ જી મિલૈ, પ્રેમ કહાસે સોઇ
પ્રેમની વાતો બધા જ કરે છે. પણ કોઇ પ્રેમને જાણતું નથી કબીર કહે છે કે પ્રેમ તો એ છે કે જે માર્ગ ઉપર પ્રભુનું દર્શન થાય છે. મીરાંએ પ્રભુને પ્રેમ કર્યો છે. નરસિંહ મહેતાએ હરિને પ્રેમ કર્યો છે. તુકારામે બ્રહ્મને પ્રેમ કર્યો છે. આજે પ્રેમના નામે આપણો વહેમ હોય છે. મોટા ભાગના લોકોની સમક્ષ પ્રેમની વાત આવે ત્યારે તેના વિચારમાં કામના પ્રગટ થાય છે. પ્રેમમાં ક્યાકેય માંગણી હોતી નથીય પ્રેમમાં કેવળ લાગણી જ હોય છે પ્રેમમાં ક્યારેય સ્પર્ધા હોતી નથી પ્રેમ જીતતા શીખવે જ નહીં પ્રેમમાં સતત હારવાનું હોય છે અને જે પ્રમમાં હારે છે એ જ પ્રેમને સમજીને પચાવી શકે છે.
પ્રેમ શરીરને થતો જ નથી પ્રેમ આત્માને થાય છે. પ્રેમ વ્યક્તિની બાહ્ય સુંદરતાને થતો નથી પ્રેમ વ્યક્તિની આંતરિક સુંદરતાને અનુભવે છે. પ્રેમમાં વાણીને સ્થાન જ નથી. પ્રેમ તો મૌનનું સ્વરૂપ છે. એક બાપ પોતાની દિરકીને પ્રેમ કરે એ આત્માનો પ્રેમ છે. જે પ્રેમમાં કોઇ કામનાને સ્થાન હોતું નથી. શબરીનો પ્રેમ જોઇને સ્વયં રામ ખુશ થયા છે. ભગવાન રામે પ્રેમરૂપી એંઠા બોર શબરીના ખાધા છે.
સમાજમાં લોકકથા ગાવામાં આવે છે કે શબરીના એંઠાબોર ભગવાન રામે આરોગ્યા છે. મહાત્માઓ તો એમ કહે છે કે શબરી એક બોર ચાખીને રામજીને આપે અને એક બોર ચાખીને લક્ષ્મણજીને આપે છે. પણ લક્ષ્મણજી વિચાર કરે કે રામ તો ઉદાર છે હું થોડા ભીલસ્ત્રીનું એંઠું ખાઉં. લક્ષ્મણજી ધીરે રહીને બાજુમાં ફેંકી દે છે અને ખાલી મોઢું ચાલુ રાખે છે. ભગવાન રામ સમજી ગયા કે લક્ષ્મણ શબરીના પ્રેમનો અનાદર કરે છે. પણ એ જ પ્રેમસ્વરૂપ બોર લક્ષ્મણજી જ્યારે યુદ્ધ કરતા કરતા મૂર્છિત થઇને પડે છે ત્યારે સંજીવન બુટ્ટી બનીને આવે છે.
રામજી લક્ષ્મણને કહે છે ભાઇ આજે શબરીના પ્રેમસ્વરૂપ બોર જ તારા માટે જીવતદાન બનીને આવ્યા છે ત્યારે લક્ષ્મણજીને શબરીનો પ્રેમ સમજાયો છે. પ્રેમ ક્યારેય નિષ્ફળ જતો નથી આજે રામ અને કૃષ્ણ પ્રત્યક્ષ રૂપે આપણી વચ્ચે નથી પરંતું એનો પ્રેમ આજે પણ સમગ્ર જગતને સ્પર્શ કરે છે. આ પ્રસંગે મારા પરમ સ્નેહી લેખક અને કવિ એવા હર્ષદભાઇ પંડ્યા (શબ્દપ્રિત)ની પંક્તિ યાદ આવે છે.