કપટનીતિની ગંદકીથી ખડબદતા રાજકીય પક્ષના રાજકારણીઓ ગ્રામ પંચાયતને કેમ રાજકીય રંગે રંગે છે????
“સરપંચો” પર રાજકીય પક્ષો પોતાનો દાવો કેમ ઠોકી રહ્યા છે, શુ ગ્રામ પંચાયત રાજકીય પક્ષની જાગીર છે?????
રાજકીય નેતાઓ પોતાના વિસ્તારની ગ્રામ પંચાયતોને સમરસ નથી કરાવી શકતા અને જીતેલા સરપંચો પર દાવો ઠોકવા કેમ હાલી નીકળ્યા છે????
ગ્રામ પંચાયતોમાં જો નેતાઓની ચંચુપાત ઓછી થાય તો ભવિષ્યમાં દેશનું એક પણ ગામડું વિકાસથી વંચિત ન રહે એ સનાતન સત્ય છે
વિશાલ મિસ્ત્રી રાજપીપળા: ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી સંપન્ન થઈ ગઈ, જીતેલા ઉમેદવારોએ હરખ મનાવ્યો તો હારેલા ઉમેદવારોએ થોડું ઘણું દુઃખ વ્યક્ત કર્યું.દેશમાં એક માત્ર ગ્રામ પંચાયતની જ ચૂંટણી એવી છે કે જેમાં રાજકીય પક્ષનોની ડાયરેકટ ચંચુપાત હોતી નથી, ગ્રામ પંચાયતની ચુંટણી રાજકીય પક્ષોના સિમ્બોલ પર ભલે લડાતી ન હોય પણ રાજકીય આગેવાનોની આડકતરી નજર તો હોય જ છે.જે કોઈ પણ સરપંચ જીતે એ સરપંચ પોતાની વિચારધારા વાળો સરપંચ છે એવું રાજકીય પક્ષોના નેતાઓ દાવો કરે છે, અને એના પરથી વિધાનસભા ચૂંટણી હાર/જીત નકકી કરે છે.પણ ગ્રામ પંચાયતની ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીને કોઈ લેવા દેવા છે જ નહીં. ગુજરાતની ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જેવા આવ્યા કે તુરંત ભાજપ, કોંગ્રેસે જીતેલા સરપંચો પોતાના પક્ષની વિચારધારા વાળા છે એવા જાહેરમાં દાવા ઠોકવાના ચાલુ કરી દીધા.પણ એ જ રાજકીય નેતાઓનો પોતાના માનીતા સરપંચો ચૂંટાય એવો મનસૂબો પાર પાડવા ગ્રામ પંચાયતો સમરસ કરાવવાની જગ્યાએ ચૂંટણી થાય એવા સમીકરણો રચવામાં સિંહ ફાળો હોય છે.અરે આજે ગ્રામ પંચાયતો જો સમરસ થાય તો સરકારી ગ્રાંટનો એ પંચાયતને વિશેષ લાભ મળતો હોય છે, પણ સરકારી વિશેષ લાભ ગયો તેલ લેવા નેતાઓએ તો બસ પોતાની રાજકીય ઈચ્છાઓ જ તૃપ્ત કરવી છે. આમ તો ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાય એટલે નેતાઓ એક બાજુ જાહેરમાં સમરસ ગ્રામ પંચાયતની તરફેણ કરે છે તો અંદરખાને ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થાય એવા પેંતરાઓ રચે છે, આમાં સરકારની ગ્રામ્ય વિસ્તારમાં વિકાસની નીતિની વાટ લાગી જાય છે, આમાં સરકાર વિકાસ ઈચ્છતી હોય તો પણ ન કરી શકે, પણ છેલ્લે તો જનતા જ માથે ટેક્ષ રૂપી બોજ વધે છે.જો ગ્રામ પંચાયતો સમરસ થાય તો સરકારનો સમય બચે, સરકારી રૂપિયાનો વેડફાટ બચે બીજી બાજુ એ જ બચેલા સમયનો સદુપયોગ લોક ઉપયોગી કાર્યમાં થાય અને સરકારી રૂપિયાથી વધુ વિકાસ થાય.પણ ફક્ત નેતાઓની એક બીજાને માત્ર કાપવાની વૃત્તિને લીધે જ આજે ગ્રામ પંચાયતોમાં ચૂંટણીઓ કરવાનો વારો આવ્યો છે. ગુજરાતમા રાજકીય આવેવાનોના પોતાના વિસ્તારમાં આવતી ઘણી બધી ગ્રામ પંચાયતોમાં ચૂંટણીઓ થઈ છે, જ્યારે ઘણી ગ્રામ પંચાયતો એવી છે કે જ્યાં રાજકીય નેતાઓની ચંચુપાત નથી અને ગ્રામ પંચાયતો સમરસ થઈ છે.આના પરથી જ એવું અનુમાન લગાવી શકાય કે નેતાઓનો સંપ સરકારી ખર્ચ વધારવાનો અને ગ્રામ જનોનો સંપ સરકારી ખર્ચ ઘટાડવાનો છે.જો નેતાઓ પોતાના વિસ્તારમાં આવતી ગ્રામ પંચાયતો સમરસ થાય એવા પવિત્ર પ્રયત્નો કરે ને તો સમય જતાં અન્ય લોકો પણ એ તરફ આગળ વધે, અને એક સમય એવો આવે કે ચૂંટણીઓ થાય જ નહીં.ત્યારે ફાયદો એટલો જ થાય કે ગામમાં લોકો સંપથી રહે, ક્રાઈમ રેટ ઘટે તો બીજી બાજુ વિકાસનો રેટ વધે. કપટનીતિની ગંદકીથી ખદબદતા રાજકીય પક્ષોના રાજકીય આગેવાનો ગ્રામ પંચાયત રાજકીય રંગે રંગવા કેમ થનગની રહ્યાં છે?? “સરપંચો” પર રાજકીય પક્ષો પોતાનો દાવો કેમ ઠોકી રહ્યા છે, શુ ગ્રામ પંચાયત રાજકીય પક્ષની જાગીર છે?? રાજકીય નેતાઓ પોતાના વિસ્તારની ગ્રામ પંચાયતોને સમરસ નથી કરાવી શકતા અને જીતેલા સરપંચો પર દાવો ઠોકવા કેમ હાલી નીકળ્યા છે? વાત કરીએ એવી ગ્રામ પંચાયતોની કે જ્યાં ગઢ આલા પણ સિંહ ગેલા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, મતલબ કે જ્યાં સરપંચ અલગ પેનલો અને તમામ સભ્ય અલગ પેનલના એવા પણ ઘણી પંચાયતોના નિર્ણયો આવ્યા છે.હવે એવી પંચાયતોમાં એવું થવાની સંભાવનાઓ છે બહુમતીના જોરે સભ્યો પોતાનો ડેપ્યુટી સરપંચ ચૂંટી લે અને સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવે.આવી સ્થિતિમાં પણ સત્તાધારી નેતાઓ સમાધાન કરાવવાની જગ્યાએ વહીવટી તંત્ર પર એ અવિશ્વાસની દરખાસ્ત પાસ કરાવવા રિતસરનું દબાણ લાવે છે. જોકે એવા સમયે રાજકીય નેતાઓની ભૂમિકા સમાધાન કરી ચૂંટણી ન થવા દેવાની અને સરકારી ખર્ચ બચાવવાની હોવી જોઈએ તેની જગ્યાએ પોતાનો મનસૂબો પાર પાડવાની ભૂમિકા અદા કરે છે, હવે આમાંથી સાચો દેશ ભક્ત કોણ નેતા કે પછી સામાન્ય જનતા એ હવે લોકોએ નક્કી કરવાનું છે.ગ્રામ પંચાયતોની ચુંટણી થયા પછી ગ્રામ પંચાયતના વિકાસમાં અવરોધ રૂપ ઘણા લોકો આવતા હોય છે એવા સમયે સરપંચો સત્તાધારી નેતાઓને રજૂઆતો પણ કરે છે, ત્યારે એવા સમયે સરપંચ પોતાના પક્ષની વિચારધારાનો છે એવી ફાંકા ફોજદારી કરતા નેતાઓ નરોવા કુંજરોવાની ભૂમિકા અદા કરે છે. સરપંચોએ પોતાની ગ્રામ પંચાયતમાં વિકાસના કામો કરવા હોય તો એમાં પણ અંદર ખાને સતાધારી પક્ષની મંજુરી લેવી પડે, નેતાઓ કહે એને જ વિકાસના કામો કરવાની પંચાયતે મંજૂરી આપવી પડે એ કેવી લોકશાહી છે?? અને જો કોઈ સરપંચ આડો ફાટ્યો તો એ ગ્રામ પંચાયતના વિકાસના કામમાં સત્તાધારી પક્ષના નેતાઓ જ વિઘ્ન ઉભું કરે અને સરપંચને પોતાના ઘૂંટણિયે પાડવાના પ્રયત્નો કરે છે.ગ્રામ પંચાયતોમાં જો નેતાઓની ચંચુપાત ઓછી થાય તો ભવિષ્યમાં દેશનું એક પણ ગામડું વિકાસથી વંચિત ન રહે એ સનાતન સત્ય છે.