પાટણ નગરપાલિકાની નિષ્ક્રીયતાને લઈને શહેરીજનો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. ત્યારે રખડતા ઢોરોની સમસ્યાએ શહેરીજનો માટે માઝા મૂકી હોય તેમ અવાર નવાર આવા રખડતા ઢોરો રાહદારીઓ સહિત શહેરીજનોને અડફેટમાં લેતા ગંભીર ઈજાઓ પહોંચાડતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલી રાજ નગરી સોસાયટીના રહિશ રમેશચંદ્ર બળદેવભાઈ સોલંકીને તાજેતરમાં રખડતા ઢોરે તેઓના ઘર નજીક જ હડફેટમાં લેતા તેઓને હાથના ભાગે ફેક્ચર થવા પામ્યું હતું. પાટણ નગરપાલિકાના અણધડ વહીવટના કારણે શહેરીજનોની અનેક વખતની રજૂઆત છતાં શહેરમાંથી રખડતા ઢોરોને ડબ્બે કરવાની ઝુંબેશ પાલિકા સત્તાધીશો દ્વારા હાથ નહીં ધરાતા અવાર નવાર આવા રખડતા ઢોરોના ભોગ પાટણ શહેરની નિર્દોષ પ્રજા બની રહી છે. નગરપાલિકાના સત્તાધીશોને સબક શીખવાડવા રખડતા ઢોરનો ભોગ બનેલા રાજનગરી સોસાયટીના રહીશ સોલંકી રમેશચંદ્ર બળદેવભાઈ દ્વારા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ, સ્વચ્છતા શાખાના ચેરમેન તેમજ વોર્ડ નંબર 10ના વોર્ડ ઈન્સ્પેકટર સામે કાયદેસરની કાર્યવાહી કરવા લેખિતમાં અરજી આપી શહેરીજનોને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ આપવાનો નમ્ર પ્રયાસ કરાયો હોવાનું તેઓએ જણાવ્યું હતું.