વાપી નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ એક અનોખી પહેલ કરી છે. જે અંતર્ગત દર ગુરુવારે વાપી પાલિકા વિસ્તારમાં ચાલી રહેલા વિકાસલક્ષી કાર્યો અંગે જે તે કામના કોન્ટ્રાક્ટર સાથે બેઠક કરી કામની પ્રગતિ અંગે રિવ્યુ મેળવશે. તેમજ જરૂરી કામને જલ્દી પૂર્ણ કરવા તાકીદ કરશે. આ અનોખી પહેલ અંગે મળતી વિગતો મુજબ 23 ડિસેમ્બર ગુરુવારથી આ અનોખી પહેલ કરી છે. જે અંતર્ગત ગુરુવારે પ્રથમ રિવ્યુ બેઠક પાલિકાના સભાખંડમાં આયોજિત કરવામાં આવી હતી.
વાપી નગરપાલિકાના સભા ખંડમાં પ્રમુખ કાશ્મીરા શાહ, ઉપપ્રમુખ અભય શાહ, કારોબારી ચેરમેન મિતેષ દેસાઈ, ચીફ ઓફિસર શૈલેષ પટેલ, સહિત અન્ય પદાધિકારીઓ, અધિકારીઓની ઉપસ્થિતિમાં વાપી પાલિકા વિસ્તારમાં ફૂટપાથ, રસ્તા સહિતના કામ કરી રહેલા તમામ કોન્ટ્રાક્ટરો ને બોલાવી તેમની સાથે એક બેઠકનું અયોજન કર્યું હતું. જેમાં ચાલી રહેલા વિકાસના કામો કેટલે પહોંચ્યા, કેટલા કામ આગામી કેટલા દિવસમાં પૂર્ણ થશે. અન્ય કોઈ અડચણ છે કે કેમ તે તમામ વિગતો એકઠી કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યાં હતાં.
આ ગુરુવારે આ પ્રથમ બેઠક હતી. જે બાદ આ પ્રકારની રિવ્યુ બેઠક દર ગુરુવારે રાખવામાં આવશે. અને પાલિકાના નાગરિકોને સરકારની યોજના હેઠળના વિકાસલક્ષી કામોની વહેલી ભેટ કઈ રીતે આપી શકાય તેની વિગતો મેળવી દરેક વિકાસલક્ષી કાર્ય ને બનતી ત્વરાએ પૂર્ણ કરવાની તાકીદ કરવામાં આવશે. તેમજ જે પણ અડચણરૂપ પ્રશ્નો હશે તેનું નિરાકરણ કરવામાં આવશે. ત્યારે હવે જોવું રહ્યું કે વિકાસલક્ષી કાર્યો માં ભ્રષ્ટાચાર થી ખદબદતી વાપી પાલિકામાં આ પહેલથી ભ્રષ્ટાચાર મુક્ત વિકાસ થશે કે પછી આવ ભાઈ હરખા આપણે બેવું સરખાની નિતી માં માત્ર પોતાનો વિકાસ કરશે.