યોગી ડિવાઈન સોસાયટીના અધ્યક્ષ પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજીએ અક્ષરનિવાસી શાસ્ત્રી સ્વામી સાથેનાં સંસ્મરણો વર્ણવીને તેમની સાદગી, સરળતા, સાધુતા, ભક્તિભાવ અને સુહૃદભાવને બેનમૂન ગણાવ્યા છે. તેઓનું જીવન સંતો-ભક્તો માટે આદર્શ બની રહેશે તેમ જણાવ્યું હતું. અક્ષરનિવાસી શાસ્ત્રી સ્વામીજી જેવા સદગણો પ્રભુ સહુને પ્રદાન કરે તેવી પ્રાર્થના તેઓએ કરી છે. અ.નિ. શાસ્ત્રી કૃષ્ણચરણદાસજીએ ઈ.સ. 1961માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ પાસે 21 વર્ષની વયે ગઢડા ખાતે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી હતી અને સંતજીવનમાં રહીને અંતિમ શ્વાસ સુધી સતત 6 દાયકા સુધી અધ્યાત્મિક અને સામાજિક સેવામાં રત રહ્યા હતા. પૂર્વાશ્રમમાં સૌરાષ્ટ્રના માણાવદરના ભક્તરાજ પુંજાભાઈ અને ગંગાબા આરદેસણાના પુત્ર એવા જયંતિભાઇનો જન્મ 13 સપ્ટેમ્બર 1940ના રોજ થયો હતો. મેટ્રિક સુધીનો અભ્યાસ કરનાર જયંતિભાઈને ગુરુહરિ યોગીજી મહારાજે 25 માર્ચ 1961ના રોજ રામનવમીએ ગોંડલમાં પાર્ષદ દીક્ષા અને 11 મે 1961ના રોજ ગઢડામાં એકાવન યોગેશ્વરોની સાથે ભાગવતી દીક્ષા આપી હતી. સંતદીક્ષા આપ્યા બાદ તેમને સાધુ કૃષ્ણચરણદાસ નામ આપવામાં આવ્યું હતું. એ પછી ગુરૂહરિ યોગીજી મહારાજની આજ્ઞાથી સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો અને શાસ્ત્રીની પદવી મેળવી. ત્યારથી તેઓ શાસ્ત્રી સ્વામીના નામે ઓળખાતા હતા. તેઓએ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના અંગત સેવક તરીકે રહીને તેમનો રાજીપો પ્રાપ્ત કર્યો હતો. ઈ.સ. 1966થી હરિપ્રસાદ સ્વામીજી મહારાજ સાથે સોખડા આવીને વસ્યા હતા. હરિધામ સોખડાનાં સર્જન અને આ તીર્થક્ષેત્ર દ્વારા યોજાતી સર્વે પ્રવૃત્તિમાં અક્ષરનિવાસી શાસ્ત્રી સ્વામીજીનું અનેરૂં યોગદાન રહ્યું હતું. ગૌસંવર્ધન અને કુદરતી ખેતીના નિષ્ણાંત એવા શાસ્ત્રી સ્વામીજી પાકશાસ્ત્ર, વહીવટી બાબતો, મહેસૂલી બાબતો વગેરેના પણ તજજ્ઞ હતા. ઉત્સવો માટે જમીન સંપાદનની સેવા તેમના ભાગે આવતી. ગૌશાળા અને ખેતી સંબંધી કાર્યો સિવાય ભાગ્યે જ તેઓ હરિધામની બહાર નીકળતા. સાંપ્રદાયિક ગ્રંથોના ઉંડા અભ્યાસુ એવા શાસ્ત્રી સ્વામીજી પાસેથી સ્વામિનારાયણ પરંપરાના પદોનું ગાન શ્રવણ ભક્તિભાવમાં તરબોળ કરી દેનાર રહેતું. હરિધામ-સોખડા સાથે સંલગ્ન આત્મીય સમાજને તેમણે ખરા અર્થમાં વડીલ તરીકેની હુંફ અને માર્ગદર્શન આપ્યાં હતાં. ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયમાં સદગુરૂ મુક્તાનંદ સ્વામી હતા તેવું સાધુતાપૂર્ણ વ્યક્તિત્વ ધરાવતા શાસ્ત્રી સ્વામીજી નદીક્ષિત સંતો માટે સાધુતાનો આદર્શ બની રહ્યા હતા. બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામી મહારાજ સાથે તેમનો અનુપમ આત્મીય સંબંધ હતો. તેઓએ શ્રીઠાકોરજીની ચલ મૂર્તિઓની પ્રતિષ્ઠા માટે શાસ્ત્રી સ્વામીના જન્મદિવસ 13 સપ્ટેમ્બરની પસંદગી કરેલી. બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી જુલાઇ માસમાં અંતર્ધ્યાન થયા પછી શાસ્ત્રી સ્વામીજીએ તમામ પ્રવૃત્તિઓમાંથી વિરક્તભાવ કેળવી લીધો હતો અને મોટાભાગનો સમય ભગવદભજનમાં વિતાવતા હતા. શ્રીજી મહારાજ અને હરિપ્રસાદ સ્વામી જલ્દીથી પોતાની પાસે અક્ષરધામમાં બોલાવી લે તેવી પ્રાર્થના કરતા રહેતા.