સુરેન્દ્રનગર જિલ્લાના ૧૫ થી ૧૮ વર્ષના અંદાજે ૪૦૦૦૦ થી વધુ બાળકોને કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા સમગ્ર રાજ્ય સાથે જીલ્લામાં પણ આગામી તા.૦૩ જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવનાર છે. જેને ધ્યાને લઇ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
…આ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર દ્વારા ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોના સામે રસીકરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે અને આગામી તારીખ ૦૩ જાન્યુઆરીથી બાળકોનું રસીકરણ અભિયાન શરૂ થઈ રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ જાન્યુઆરીથી ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને રસીકરણનો પ્રારંભ થશે જે અંગે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે જે અંતર્ગત જીલ્લામાં અંદાજે ૪૦૦૦૦ જેટલા બાળકોને રસી આપવામાં આવશે. જિલ્લા કલેક્ટર એ. કે. ઔરંગાબાદકર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ચંદ્રમણિ કુમારની આગેવાની હેઠળ આરોગ્ય તંત્ર દ્વારા બાળકોનું રસીકરણ શરૂ કરશે. જે માટે ૧૦૦ ટીમો તૈનાત કરવામાં આવશે અને ૮ કર્મચારીઓની ટીમમાં કુલ ૨૦૦ કર્મચારીઓ આ કામગીરીમાં જોડાશે. હાલ જિલ્લાની શાળા સંચાલકો સાથે વાતચીત ચાલી રહી છે. શાળાઓમાં રસીકરણ શરૂ કરવાની યોજના પણ બનાવવામાં આવશે જ્યાં રસીકરણ કરી શકાય.જ્યારે બાળકોને ત્રણ સ્તરે રસી આપવામાં આવશે. જેના માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આજે તા. ૦૧ જાન્યુઆરીથી શરૂ થશે.