બંધારણે આપણને ખૂણામાં સંતાવાનું કહ્યું નથી !
ભારતના બંધારણને 75 વર્ષ પૂર્ણ થયા છે, એ નિમિત્તે નવસર્જન ટ્રસ્ટ, દલિત શક્તિ કેન્દ્ર અને દલિત ફાઉન્ડેશન દ્વારા દેશવ્યાપી અભિયાન ‘વોક ફોર સંવિધાન’નું આયોજન કરવામાં આવ્યું છે.
દેશના 17 રાજ્યોમાંથી તાલીમ પ્રાપ્ત કરેલાં 11000 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વર્તમાન વિદ્યાર્થીઓ જોડાશે. તેઓ પોતાના વિસ્તારમાંથી 10 લોકોને આ કાર્યક્રમમાં જોડશે અને 1 ફેબ્રુઆરી 2025 થી 14 એપ્રિલ 2025 સુઘી દરરોજ પોતાના ગામમાં/શહેરમાં 2 કિલોમીટર 10 મિત્રોની સાથે ‘સંવિધાન વોક’ કરશે.
આમાં ઉત્સાહભેર ભાગ લેનારા લોકો તેમના વિડીયો, ફોટા સોશિયલ મીડિયા પર શેર કરીને બીજા મિત્રોને પ્રેરણા પૂરી પાડશે. દેશના તમામ નાગરિકોને ભારતના બંધારણ પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ તેમના અધિકારો અને જવાબદારીઓ માટે જાગૃત રહેવા માટે પ્રોત્સાહિત કરશે.
દલિત એક્ટિવિસ્ટ માર્ટિન મેકવાન કહે છે : “બંધારણે આપણને ખૂણામાં સંતાવાનું કહ્યું નથી, જાહેરમાં નીકળીને પોતાના અધિકાર માટે ચાલવાનું શિખવાડ્યું છે. બંધારણે આપણને મજબૂત બનાવ્યા છે. એટલે આપડી ફરજ છે કે તમામ તાકાત લગાડીને બંધારણને મજબૂત બનાવીએ. બંધારણના માનમાં, 1 ફેબ્રુઆરી 205થી 14 એપ્રિલ 2025 સુધી, 75 દિવસ સુધી, પોતાના ગામમાં/ પોતાના શહેરમાં ઓછામાં ઓછા 10 લોકોને સાથે રાખીને 2 કિલોમીટર ચાલવું. હું તમામ લોકોને અપીલ કરું છું કે પોતાના શરીરની મજબૂતી માટે, પોતાના આત્માની મજબૂતી માટે, પોતાની માનસિક મજબૂતી માટે, સંવિધાન પ્રત્યે પોતાની વફાદારી મજબૂત કરવા માટે 75 દિવસ સુધી લોકોને સાથે રાખીને 2 કિલોમીટર ચાલે.”